વડોદરા, તા.૧૦ 

ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા પીઆઈ, પીએસઆઈ, ચાર પોલીસ કોન્સ્ટેબલોએ છેક છેલ્લી ઘડી સુધી બચવા માટે ધમપછાડા કર્યા હતા. શેખ બાબુને પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતાર્યા બાદ એમનો મૃતદેહ પણ સગેવગે કરી નાખવાની ઘટનાને લાંબા સમય સુધી દબાવી રાખવા પાછળ પીઆઈ અને પીએસઆઈનું ભેજું કામ કરી રહ્યું હતું. જાે કે, એસીપીની તપાસમાં ભાંડો ફૂટી જશે એમ લાગતાં અંતે શેખ બાબુના પરિવારજનોને એ રીઢાચોર હતા, હવે નથી તો સમાધાન કરી લેવા માટે સમજાવવાનો પ્રયત્ન છેક તેલંગાણા રાજ્યના કોમારેડ્ડી ગામે જઈને કર્યા હતા.

પીઆઈ બી.ડી.ગોહિલ પોતે એલએલબી કર્યું હોવાથી ગુનો કર્યા બાદ એને કેવી રીતે છૂપાવી શકાય અને કાયદાની છટકબારીઓ સારી પેઠે જાણતા હોવાથી કસ્ટોડિયલ ડેથ થયા બાદ મૃતદેહનું પીએમ કરાવવાને બદલે લાશને સગેવગે કરાવી દઈ આખો મામલો પતાવી દેવાનું કૃત્ય કર્યું હતું. જો કે, ‘પાપ છાપરે ચઢીને પોકારે’ એમ આ બનાવ પરથી પડદો ઊંચકાતાં હવે વકીલ અને પીઆઈ ભાગતા ફરી રહ્યા છે અને આગોતરા જામીન મેળવવા માટેના પ્રયત્નોમાં લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પીઆઈ બી.ડી.ગોહિલની આ વકીલાત જ એમને હાઈકોર્ટમાં ભારે પડશે અને અદાલતમાંથી જામીન મળવા મુશ્કેલ થશે એમ જાણકારો માની રહ્યા છે. બીજી તરફ આ કસ્ટોડિયલ ડેથના આરોપી પીએસઆઈ દશરથ રબારી પોતે પોલીસ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. એનો ભાઈ અમદાવાદ પોલીસ મથકમાં હોવા ઉપરાંત સસરા પણ ડીવાયએસપી લેવલની ફરજ બજાવી ચૂકયા છે ત્યારે પીએસઆઈને બચાવી લેવા નિવૃત્ત અને ચાલુ આઈપીએસ ઓફિસરો પ્રયત્નો કરી રહ્યા છે અને હવે કાયદાનું રક્ષણ મળે એ માટે વકીલોની પણ સલાહ લઈ રહ્યા છે.

કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં હજુ એક વધુ પીએસઆઈની પણ ભેદી ભૂમિકા બહાર આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં એ પીએસઆઈએ આરોપી કોન્સ્ટેબલને સાથે રાખી શેખ બાબુના ગામ કામારેડ્ડી જઈને પરિવારજનોને સૌ પ્રથમ તો શેખ બાબુ રીઢાચોર હતા એમ જણાવી ધમકાવ્યા હતા. બાદમાં જ્યારે એ નથી તો માંડવાલી કરી લેવાની વાત પણ જણાવતાં પરિવારજનો ઉશ્કેરાયા હતા અને શેખ બાબુને હાજર કરો તો જ માંડવાલી થશે એમ જણાવી સમાધાનની ભૂમિકા ભજવવા ગયેલા પીએસઆઈને તગેડયા હતા. આમ છેક છેલ્લા સમય સુધી કસ્ટોડિયલ ડેથના મામલાને દબાવવા માટે પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલોએ હવાતિયાં માર્યાં હતાં, તેમ છતાં ગુનો નોંધાતાં અંતે ભાગેડું બની ગયા છે.

આરોપીઓને ઝડપી પાડવા ખાસ ટીમો બનાવાઈ

આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના એસીપી અને પીઆઈની ટીમ, પીસીબીના પીઆઈ સહિતની ટીમ, એસઓજીના પીઆઈ સહિતની ટીમ જુદી જુદી દિશાઓમાં તપાસ માટે કામે લાગશે અને કસ્ટોડિયલ ડેથના આરોપીઓને ઝડપી પાડવા માટે ત્વરિત કાર્યવાહી કરાશે. શહેર પોલીસની મહત્ત્વની આ ત્રણેય શાખાઓ બાતમીદારોના નેટવર્ક, આરોપીઓના સંભવિત છૂપા સ્થાનો, મિત્રો, સગાંસંબંધીઓને ત્યાં તપાસ હાથ ધરશે, આ ઉપરાંત આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સનો પણ સહારો લેવામાં આવશે. હવે જાેવું એ રહ્યું કે પોલીસ કમિશરનરની સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી ત્રણ શાખાઓ પૈકી કઈ શાખાને સૌથી પહેલાં મોટી સફળતા મળે છે. કારણ કે, આરોપી પોલીસને જ સાચા પોલીસે હવે શોધવાનો વારો આવ્યો છે.

મારુતિ સ્વિફટ કારનો ઉપયોગ

ફતેગંજ પોલીસ મથકમાં જ મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા માટે સફેદ કલરની મારુતિ સ્વિફટ કારનો ઉપયોગ કરાયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. મધરાતે ફતેગંજ પોલીસ મથકમાં પ્રવેશેલી સફેદ કલરની સ્વિફટમાં જ શેખ બાબુનો મૃતદેહ મુકી એના નિકાલ માટે લઈ જવાયો હોવાના પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે એ સમયે કારમાં કોણ કોણ હતું એમના એ સમયનો મોબાઈલ લોકેશન જાણી મૃતદેહ ક્યાં સગેવગે કરાયો છે એ શોધી કાઢવામાં આવશે.