દિલ્હી-

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના બળવાખોર વલણ બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી સરકાર બચાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પાર્ટીએ વ્હિપ પણ જારી કર્યું છે. સૂત્રો પ્રમાણે, મુખ્યમંત્રી આજે મીડિયાની સામે ધારાસભ્યોની પરેડ પણ કરાવી શકે છે અને જરૂર પડી તો રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને ધારાસભ્યોની યાદી પણ સોંપશે. સૂત્રો પ્રમાણે પાયલોટ દિલ્હીમાં છે અને બેઠકમાં સામેલ થશે નહીં.

રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક માટે એક વ્હિપ જાહેર કરાયું છે. રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડેનું કહેવું છે કે, જે લોકો વિધાનસભા બેઠકમાં સામલે થશે નહીં તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, કોંગ્રેસે સાથી અપક્ષોએ સાથે મળી 109 ધારાસભ્યોએ પાર્ટીના પક્ષમાં સમર્થન પત્ર જાહેર કર્યો છે.

આ વચ્ચે રાજસ્થાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપમાં પણ હલચલ વધી ગઈ છે. સૂત્રો પ્રમાણે રાજસ્થાનના રાજકીય નાટક પર પાર્ટી નજર રાખી રહી છે. પાર્ટી સચિન પાયલોટના આગળના પગલાની રાહ જોઈ રહી છે. ભાજપના ઘણા મોટા નેતા સ્પષ્ટ કરી ચુક્યા છે કે પાયલોટનું આ વલણ કોંગ્રેસની અંદરની લડાઈ છે અને તેમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. 

સૂત્રો પ્રમાણે અશોક ગેહલોતની સરકારને પાડવી સરળ નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંખ્યાનું મોટુ અંતર છે. પહેલા સચિનની તાકાત દેખાડવામાં આવશે. ઓછામાં ઓછા 30 કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાં પડે તો સરકાર પડી શકે છે. વિધાનસભાનો હજુ સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી છે. તેવામાં શું ધારાસભ્યો જોખમ લેશે, તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.