લખનઉ-

યુપીમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ચુકયુ છે અને બેફામ નિવેદનબાજીનો સીલસીલાનો પણ પ્રારંભ થઈ ચુકયો છે.બરેલીમાં ઈત્તિહાદે મિલ્લત કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રજાએ અટપટુ નિવેદન આપ્યુ છે. તેમણે યુપીમાં વસતી નિયંત્રણના કાયદાનુ સ્વાગત કરતા કહ્યુ હતુ કે, આ કાયદો હિન્દુઓની સામે છે. કારણકે હિન્દુઓને વધારે બાળકો હોય છે. તેમને સરકારી સુવિધાઓથી વંચિત રાખવા કાયદો બનાવાયો છે. મુસ્લિમોને બેથી વધારે બાળકો હોતા નથી અને એમ પણ તેમને સરકારી સુવિધાઓ મળતી નથી.

તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, કોરોનાના નામે સામાજીક દૂરી રાખવા માટે પ્રચાર કરાયો હતો. ખરેખર તો જે લોકો સમૂહમાં રહે છે તેમને કોરોના નથી થયો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની વાત કરનારા સમાજમાં ભાગલા પાડવા માંગે છે. એક બીજાથી લોકોને દૂર રાખવા માંગે છે. અમારો ધર્મ અમને શીખવાડે છે કે, બધાએ ભેગા થઈને નમાઝ પઢવી જાેઈએ. કોરોના સ્પર્શથી ફેલાતી બીમારી નથી. આ પ્રકારની મહામારી નફરત અને તાકાતના ખોટા ઉપયોગ, બેઈમાની, ગુના કરવાથી ફેલાય છે. તેમણે આગળ કહ્યુ હતું કે, ૨૦૧૪ પહેલા તોફાન થતા હતા ત્યારે ભાજપ અને આરએસએસના લોકો બોમ્બ ધડાકા કરતા હતા, તોફાનો કરતા હતા અને આરોપ મુસ્લિમો પર લગાવતા હતા. જ્યારે કોંગ્રેસે પણ અમને આતંકવાદી ગણાવી દીધા છે. અમે એ પાર્ટીને સપોર્ટ કરીશું જે તોફાનો રોકવા માટે આયોગ બનાવે.તોફાનોની તપાસ આ જ આયોગને આપવામાં આવે. જેથી પોલીસ પક્ષપાત ના કરી શકે.