ન્યુ દિલ્હી,તા.૯

કોવિડ-૧૯ના મુદ્દે ભારત સંક્રમિત દેશોની યાદીમાં ૬ઠ્ઠા ક્રમે છે. અનલોક-૧ના બીજા તબક્કામાં કેસોની સંખ્યા વધી રહી હોય તેમ સતત ૬ઠ્ઠા દિવસે પણ ૯ હજારની વધુ કેસો આવ્યાં છે. મંગળવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૯૮૭ કોરોના કેસ બહાર આવ્યાં જ્યારે આ જ સમયગાળામાં વધુ ૩૩૧ દર્દીઓના મોત નિપજ્યા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં ૩૦૦થી વધારે મોત અને સતત છઠ્ઠા દિવસે ૧૦,૦૦૦ની આસપાસ કેસ આવ્યા છે. 

અત્યાર સુધીમાં ૧,૨૯,૨૧૪ લોકો સાજા થયા અને હજુ ૧,૨૯,૯૧૭ કેસ સક્રિય છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં અત્યારે ૨,૬૬,૫૯૫ કોરોનગ્રસ્ત દર્દીઓ છે. આ ઉપરાંત ૭૪૬૬ દર્દીઓના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. આ સાથે જ બીજી તરફ મંગળવાર સવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જણાવ્યું કે, રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો સૌથી ખતરનાક તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયુ છે. હવે મહારાષ્ટમાં પણ કોરોના દર્દીઓનો આંકડો ૮૮ હજારની પાર પહોંચી ગયો છે. અને ૩,૧૬૯ લોકોના મોત થયા છે. ૩૩,૨૨૯ દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે જ્યાં ૨૮૯ લોકોના મોત થયા છે.મહારાષ્ટ પોલીસે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ડિપાર્ટમેન્ટમાં એક પણ નવો કેસ આવ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધી ૨,૫૬૨ પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે. ૩૪ જવાનોના મોત થયા છે. 

જ્યોતિરાદિત્ય અને તેમની માતા પોઝિટિવ 

મધ્યપ્રદેશ ભાજપાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓને ઈલાજ માટે મૈક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની પુષ્ટિ કરી છે. 

વૈશ્વિક સ્તરે સ્થિતી વધુ ખરાબ થઇ રહી છેઃ ડબલ્યુએચઓ 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે ફરી ચેતવણી આપી છે કે કોરોના વાયરસ મહામારીની સ્થિતી વૈશ્ર્વિક સ્તરે વધુ બગડી રહી છે. એક પત્રકાર પરિષદ દરમિયાન પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે જણાવ્યું કે રવિવારે આવેલા ૭૫ ટકા કેસ અમેરિકા અને દક્ષિણી એશિયાના ૧૦ દેશોમાંથી આવ્યા હતા. પાછલા દસ દિવસોમાં નવ દેશોમાંથી એક લાખથી વધુ કેસ સામે આવી ચૂકયા છે. રવિવારે ૧,૩,૫,૦૦૦ કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીના સૌથી વધુ છે.ટ્રેડ્રોસે કહ્યું કે આફ્રિકાના અનેક દેશોમાં વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યાં સુધી કે અનેક દેશોમાં કેસ એક હજારથી ઓછા છે આમ છતાં ત્યાં સંખ્યા વધતી જઈ રહી છે.ડબલ્યુએચઓએ કહ્યું કે આ દરમિયાન દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં સકારાત્મક સંકેતો પણ જાવા મળ્યા છે. સંસ્થાના એક નિષ્ણાતે કહ્યું કે ભારતમાં કોરોના વિસ્ફોટનો ખતરો તોળાઈ રહ્યો છે. માર્ચમાં લાગુ કરાયેલા લોકડાઉનને ખતમ થતાં કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે.