વડોદરા

સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાંથી કોવિડ-૧૯ના જુદા જુદા વેરિઅન્ટના કેસ સામે આવ્યા પછી જેનો પ્રથમ કેસ ભારતમાં નોંધાઈ ચૂકયો છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા નવા કોરોના કેસ વચ્ચે આરોગ્ય વિભાગે સંભવિત સંક્રમણને ચકાસવાની તૈયારી કરવામાં આવી રહી છે, તેવા સમય અને સંજાેગો વચ્ચે ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હોઈ સમગ્ર રાજ્યમાંથી કોરોના ગાયબ થઈ ગયો હોય તેવી રીતે બેદરકારીભર્યા વલણથી કોરોના વાઈરસની મહામારી ફરીથી માથું ઊંચકે તેવી શક્યતાને નકારી શકાય એમ નથી.

રાજ્યના મોટા શહેરોમાં હાલ મહાનગરપાલિકાઓની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો હતો તેવા સમયે રાજકીય પક્ષો દ્વારા જે રીતે કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે જે કોરોના વાઈરસના ફેલાવાને દસ્તક આપી રહ્યો છે. અલબત્ત, કોરોના વાઈરસનો જ્વાળામુખી ફાટવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. અત્ર ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે લોકોમાં કોરોનાનો ભય ઓછો કરવા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા રોજબરોજ જાહેર કરવામાં આવતા મેડિકલ બુલેટીનમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધી હાલના તબક્કે સમગ્ર શહેરમાંથી કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ કોરોનાના દર્દીઓની સંખ્યા જે ૧૦૦ની ઉપર રહેતી હતી તે ૪૦ ઉપર લાવી દેવામાં આવી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ સંખ્યાબંધ દર્દીઓને રજા આપી દેવામાં આવતાં હોસ્પિટલો ખાલીખમ જાેવા મળી રહી છે. એટલું જ નહીં, જ્યારથી મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી કોરોના ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં મોતને ભેટેલા દર્દીઓ મેડિકલ ફાઈલો અભેરાઈ ઉપર ચઢાવી દીધી હોય તેમ કેટલાય સમયથી કોરોનાનો મૃત્યુઆંક ર૪૧ ઉપર જ સ્થિર રાખવામાં આવ્યો છે. હકીકત દર બે ત્રણ દિવસે એક બે દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામી રહ્યા હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે, પરંતુ તેને સત્તાવાર જાહેર કરવામાં આવતું નથી. આજે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ મેડિકલ બુલેટિંગમાં ૪ર દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. ર૬ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૬૪ ઓક્સિજન પર હોવાનું તેમજ હાલના તબક્કે કુલ પ૭૮ એક્ટિવ કેસ નોંધવામાં આવ્યા છે, તેની સામે ૩૬ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.