અમદાવાદ, એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસ કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે છૂટછાટો વધારવાનો ર્નિણય લેવામાં આવી શકે છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. આવામાં ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્‌યૂ રાખવામાં આવ્યો છે જેનાથી હવે ૧ ફેબ્રુઆરીથી મોટી છૂટકારો મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગે નજીકના સમયમાં મહત્વનો ર્નિણય લેવામાં આવી શકે છે. બીજી તરફ આ કર્ફ્‌યૂ હટાવવાનું કારણ ચૂંટણી પ્રચાર હોવાનું અને વેપાર પર અસર પડતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

૨૧ ફેબ્રુઆરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે અને આ પહેલા મહાનગરોમાં પ્રચાર માટે રાત્રે પૂરતો સમય મળી રહે તે માટે સરકાર પર કર્ફ્‌યૂ ઉઠાવી લેવાનું દબાણ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાત્રિ કાર્યક્રમોનું આયોજન સરળ રીતે કરી શકાય તે માટે કર્ફ્‌યૂ હટાવી લેવાની માગણી કરાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ ચૂંટણી ટાણે સરકાર કર્ફ્‌યૂ હટાવી લેશે તો લોકોના રોશનું ભોગ પણ બનવું પડી શકે છે એટલે કે હવે આગામી મહિનાથી કર્ફ્‌યૂ અંગે શું ર્નિણય લેવો તે અંગે સરકારમાં પણ મહત્વની ચર્ચા વિચારણાઓ શરુ થઈ ગઈ હશે તેમ મનાઈ રહ્યું છે.નોંધનીય છે કે રાજ્યના મોટા ૪ શહેરોમાં કર્ફ્‌યૂને ૩૧ જાન્યુઆરી સુધી યથાવત રાખવામાં આવ્યો છે. કર્ફ્‌યૂ ઉઠાવી લેવાના બદલે રુપાણી સરકાર ચર્ચા વિચારણા કરીને કર્ફ્‌યૂની સમયમર્યાદામાં ઘટાડો કરી શકે છે. જાેકે, આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.બીજી તરફ હોટેલ અને રેસ્ટોન્ટ એસોસિએશન દ્વારા અગાઉ કર્ફ્‌યૂની સમયમર્યાદા ઘટાડવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાંઆવી છે, કારણ કે આ ચાર મહાનગરોમાં હોટલોમાં આવનારા ગ્રાહકો મોટાભાગે ૯ પછી આવતા હોય છે આવામાં કર્ફ્‌યૂના કારણે તેમના વેપાર પર ફટકો પડતો હોવાની રજૂઆત કરાઈ છે. હવે આગામી સમયમાં સરકાર આ મુદ્દા પર શું ર્નિણય લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ગુજરાતમાં કોરોના મહામારી શરુ થઈ તેના ૧૦ મહિના બાદ પહેલી વખત અમદાવાદમાં એક પણ દર્દીનું સંક્રમણથી મૃત્યુ ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.