પાદરા, પાદરા તાલુકાના ડબકા ગામના ચાર રસ્તા નજીક બાઈકચાલકે એક્ટિવાચાલકને આગળના ભાગે ટક્કર મારી અકસ્માત કરતાં પાદરાના મહંમદપુરા ખાતે પોસ્ટ માસ્તર-ટપાલીનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

આ અંગે મળતી વિગત મુજબ પાદરા તાલુકાના ડબકા ગામે રહેતા પ્રવીણસિંહ ભીમસિંહ બારડ પત્ની લીલાબેન અને પુત્રી ધ્રુવી પોતાની એક્ટિવા લઈને પાદરા પોસ્ટ ઓફિસથી ટપાલો અને તેના હિસાબો આપવાના હોઈ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં પત્ની લીલાબેનને મેડિકલ ચેકઅપ કરાવવાનું હોઈ સવારે એક્ટિવા લઈને નીકળેલા હતા તે દરમિયાન મહુવડ ગામની ચોકડી પાસે મહુવડ-બોરસદ રોડ પર નવાપુરા-મહુવડ ચોકડી તરફથી ડબલ સવારી બાઈકચાલકે એક્ટિવાને અડફેટમાં લેતાં એક્ટિવાચાલક રોડ પર પટકાયા હતા, જેમાં પ્રવીણસિંહ બારડને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતી હતી, જ્યારે પત્ની લીલાબેન તેમજ પુત્રી ધ્રુવીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટ માસ્તર પ્રવીણસિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વડુ પોલીસ મથકે લીલાબેન બારડે ફરિયાદ આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બાઈકચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.