હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં સિંચાઇની સારી સગવડ મળતા ખેડૂતોએ રવિ મોસમમાં વાવેતર કરવા માટેનું આયોજન હાથ ધરી બટાકાનું વાવેતર શરૂ કરી દીધુ છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી આવક મળતી હોવાથી ખેડૂતો બટાકાની ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજીત ૧૨,૦૦૦થી વધુ હેકટર જમીનમાં બટાકાનું વાવેતર કરી દીધુ છે.શિયાળાની ઠંડી પડતાજ નવેમ્બર માસ દરમિયાન ખેડૂતો ખેતર ખેડીને વાવેતર માટેની તૈયારીઓ કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી સમયસરનો વરસાદ ઉપરાંત કેનાલમાં સિંચાઇની સગવડ મળતા ખેડૂતો બટાકાનું વાવેતર કરવા લાગ્યા છે. જિલ્લામાં હિંમતનગર, ઇડર, વિજયનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતો બાદશાહ તેમજ એલ.આર. જાતના બટાકાનું વાવેતર કરવા લાગ્યા છે. મોટી મોટી કંપનીઓ પણ ખેડૂતો સાથે કરાર કરીને બટાકાનું વાવેતર કરી રહ્યા છે. બટાકા માટે ગોરાડુ અને મધ્ય રેતાળ જમીન વધુ માફક આવતી હોય છે. જેથી ખેડૂતો ટપક સિંચાઇની મદદથી વાવણી કરવા લાગ્યા છે. શાકમાર્કેટમાં પણ બટાકાનો ઉંચો ભાવ મળતા ખેડૂતો વધુને વધુ વાવેતર કરવા માટે પ્રેરાયા છે. જિલ્લામાં આ વર્ષે ૧૨,૦૦૦ હેકટરથી વધુ જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યુ હોવાનું ખેતીવાડી વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.ઉત્તર ગુજરાતમાં બટાકાના વાવેતર માટે ખેડૂતો આકર્ષાયા છે. ઓછા સમયમાં વધુ ઉત્પાદન મળતુ હોવાથી ખેડૂતો વધુને વધુ જમીનમાં એલ.આર. અને બાદશાહ બટાકાનુ બિયારણ ખરીદીને વાવણી કરતા હોય છે. ઉત્તર ગુજરાતમાં ડીસા, પાટણ સહિત હિંમતનગરમાં કોલ્ડ સ્ટોરેજાેની સુવિધા મળતી હોવાથી ખેડૂતો પોતાનો તૈયાર થયેલો બટાકાનો પાક કોલ્ડ સ્ટોરેજમાં મુકી સંગ્રહ કરી શકે છે અને જયારે દિલ્હી, મુંબઇ જેવા બજારોમાં ઉંચા ભાવ મળે ત્યારે પોતાનો બટાકાનો પાક વેચાણ માટે મોકલી આપે છે. ગત વર્ષે બટાકાના બિયારણના ૫૦ કિલોના કટ્ટાના ભાવ રૂપિયા ૮૦૦થી ૯૦૦ હતા. પરંતુ આ વર્ષે બિયારણના ભાવોમાં આવેલી તેજીના કારણે પ્રતિ ૫૦ કિલો બિયારણનો ભાવ રૂપિયા ૨૫૦૦થી ૨૮૦૦ની આસપાસ બોલાયો છે. જેના કારણે ખેડૂતોને વિઘા દીઠ ખર્ચ વધુ કરવો પડે છે. મહેસાણા જિલ્લામાં આ વખતની રવિ સિઝનમાં મુખ્ય પાક ઘઉંનું વાવેતર ખેડૂતોએ ૪૨,૭૩૪ હેકટરમાં કરી સારા પરિણામની આશા સેવી રહ્યા છે.