વડોદરા : મહાનગર પાલિકાના ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકોને માટે ૨૧ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાઈ હતી.જેના પરિણામો જાહેર થતા પુનઃ પૂર્વ શાસકપક્ષ ભાજપ વધુ એકવાર સત્તા સ્થાને બિરાજમાન થનાર છે.ત્યારે ભાજપના ચૂંટાયેલા ૭૬ પૈકી ૬૯ કાઉન્સિલરો વચ્ચે હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ બનવાને માટે રાજકીય ગુરુઓ સાથે લોબિંગ શરુ કરી દીધું છે. તેમજ પ્રબળ દાવાઓ રજુ કરવામાં આવ્યા છે. આ વખતે મેયર પદે સામાન્ય બેઠક છે.જયારે ડેપ્યુટી મેયરપદ મહિલાને માટે અનામત છે.જેને લઈને મેયર અને સ્થાયિસમિતિના અધ્યક્ષપદ માટે દશ ઉપરાંત દાવેદારોએ પોતાની દાવેદારી રજુ કર્યાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.જ્યારે મહિલા ડેપ્યુટી મેયરપદને માટે પાંચ જેટલી મહિલાઓ મેદાનમાં હોવાનું જાણવા મળ્યું છે. હવે આ પદને માટે સંગઠનનો હાથ ઉપર રહે છેકે અન્યનો એ તો બંધ કવર આવ્યા પછીથી ખુલશે ત્યારે જ ખબર પડશે. પરંતુ અત્યારે તો પ્રત્યેક દાવેદારો મેયર,ડેપ્યુટી મેયર અને સ્થાયી અધ્યક્ષ પદ મળી ગયાના સ્વપ્ન જાેઈ રહ્યા છે.

પાલિકાના મેયરપદ અને સ્થાયી સમિતિના અધ્યક્ષપદ માટે જે નામો ચર્ચામાં છે એમાં પરાક્રમસિંહ જાડેજા, ડો.હિતેન્દ્ર પટેલ, ડો.શિતલ મિસ્ત્રી, મનોજ પટેલ(મંછો), કેયુર રોકડીયા, બંદીશ શાહ, નીતિન દોંગા, ડો.રાકેશ શાહ(નિકીર), અજિત દધીચ, મનીષ પગાર, ચિરાગ બારોટ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ડેપ્યુટી મેયરપદને માટે જે મહિલાઓના નામ ચર્ચામાં છે.એમાં સ્નેહલ પટેલ, નંદા જાેષી, પૂનમ શાહ, રીટાબેન સિંઘ અને જેલમ ચોકસીનો સમાવેશ થાય છે. આમ હાલમાં પાલિકામાં ચૂંટાયેલા ૬૯ પૈકી ૧૧ જેટલા દાવેદારો મેયરપદ અને સ્થાયી સમિતિના અધ્યક્ષને માટે દાવેદાર માનવામાં આવે છે.જયારે પાંચ જેટલા મહિલા ઉમેદવારો ડેપ્યુટી મેયરપદના માટે દાવેદારી ધરાવે છે. આમ ૬૯ પૈકી ૧૬ જેટલા પ્રબળ દાવેદારોએ પાલિકામાં ઉચ્ચ પદ મેળવવાને માટે પોતાની દાવેદારી નોંધાવ્યાનું અને એને માટે પોતપોતાના રાજકીય ગુરુઓ થકી પ્રયાસ શરુ કર્યાનું જાણવા મળ્યું છે. જાે કે એમાંથી કોનું દબાણ કામ લાગે છે.કોનો સિક્કો વીઆઇએન થાય છે.એતો આગામી દિવસોમાં વરણી વખતે બંધ કવર ખુલ્યા પછીથી જ ખબર પડશે.

સૌરાષ્ટ્ર લોબીનું દબાણ પરાક્રમસિંહને ફળશે કે કેમ?

વડોદરા પાલિકાની ગત ૨૦૧૫ની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્ર લોબીના આગલી હરોળના નેતા ભીખુભાઇ દલસાણિયાના અંગત મનાતા ભરત ડાંગરને મેયરપદ પ્રાપ્ત થયું હતું.એનું પુનરાવર્તન ૨૦૨૧ની ચૂંટણીઓમાં થશે તો આ વખતે સૌરાષ્ટ્રના પરાક્રમસિંહ જાડેજાને મેયરપદ પ્રાપ્ત થશે એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે.સાથોસાથ એવી પણ ચર્ચાઓ ચાલી છે કે પરાક્રમસિંહનું નસીબ મહત્વના હોદાઓને માટે અનેક વખત બે ડગલાં પાછળ ચાલ્યું છે.પછીથી એ શહેર પ્રમુખપદની વાત હોય કે વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારીની વાત હોય. છેલ્લી ઘડી સુધી એમનું નામ ચાલ્યા પછીથી અટકી જાય છે.ત્યારે આ વખતે એમનો મેયરપદને માટે વીનમાં જણાતો ઘોડો દોડશે કે પછી બેસી જશે એ આવનાર સમય જ બતાવશે.