ગાંધીનગર-

ગુજરાતમાં ૨૦૨૨ના અંત સમયે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી વર્ષમાં ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન વિચાર્યું છે. આ સમિટ ૨૦૨૧માં યોજવાની થતી હતી પરંતુ કોરોના મહામારીના કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. કોરોના સંક્રમણ હળવું બને તો રાજ્યની ૧૦મી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી ૨૦૨૨માં મહાત્મા મંદિરમાં નિર્ધારિત કરવામાં આવી છે.

ગુજરાતમાં અગાઉ ૨૦૦૭ અને ૨૦૧૭માં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું હતું. રાજ્યમાં છેલ્લે નવમી વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯માં થઇ હતી. હવે જ્યારે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ફરી એકવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોનું માનીયે તો ઓગષ્ટમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જાેઇને સરકાર ર્નિણય લેશે. આ સમિટના ભાગરૂપે દેશના મુખ્ય ઔદ્યોગિક તેમજ વાણિજ્યિક રીતે વિકસિત કેન્દ્રોમાંથી મૂડીરોકાણ આકર્ષવા માટે ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઑફ કોમર્સ અને વિવિધ ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમિટ માટે ઉદ્યોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્ષ-બીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ સેમિનાર કરવાની સૂચનાઓ પણ મળી છે. ગુજરાતમાં ૨૦૧૯ પછી ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉદ્યોગ જૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ- ઉદ્યોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટ્‌સને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. જેના માટે ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા લગાતાર બેઠકો યોજી રહ્યા છે. ઉદ્યોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોફ્ટવેર ઇન્ડેક્ષ્ટ-બી અને બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત ડીપીઆઇઆઇટી દ્વારા સ્ટેટ રિફોર્મ એક્શન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે.