ગાંધીનગર-

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ એનસીપી છોડ્યા બાદ પ્રજા શક્તિ મોરચો ખોલ્યો છે. ત્યારે બાપુ દ્વારા આ મોરચાને સફળ બનાવવા માટે જિલ્લા મથકોએ બેઠક કરવામાં પણ આવી રહી છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી સમયમાં આવનારી મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત અને વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા શક્તિ મોરચો મેદાનમાં આવશે. તમામ ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં આવશે અને પ્રજા શક્તિ મોરચો ચૂંટણી લડશે.

રાજ્યમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. ત્યારબાદ જિલ્લા પંચાયત અને વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જેને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને પ્રજા શક્તિ મોરચો પણ મેદાનમાં આવશે. શિક્ષણ બેરોજગારી અને દારૂના મુદ્દાઓને લઈને ચૂંટણીમાં ઝંપલાવશે. પ્રજા શક્તિ મોરચો પાંચ મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. બાપુએ કહ્યું કે રાજ્યમાં શિક્ષણ આપવામાં આવશે મફત વીજળી આપવામાં આવશે અને પાણીની સમસ્યાઓને દૂર કરવામાં આવશે. તે ઉપરાંત યુવાનોને સૌથી વધુ સતાવતો રોજગારીનો મુદ્દો અને નવી શરાબ નીતિને લઈને બાપુની પ્રજા શક્તિ પાર્ટી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. ત્યારે ગુજરાતમાં હવે જોવાનુંએ રહે છે કે, પ્રજા શક્તિ મોરચો કેટલા અંશે સફળ થાય છે. શંકરસિંહ વાઘેલા પાસે આજ પણ ટેકેદારોની ઘટ નથી, તેવા સમયે બાપુ કેટલા સફળ થાય છે તે તો સમય જ બતાવશે.