વડોદરા, તા.૧૭  

વડોદરા મહાનગર પાલિકાના પાપે શહેરના પ્રતાપનગર રોડ પાર આવેલ વર્ષો જુના સત્યદેવ કવાટર્સના રહીશો નર્કગર જેવી સ્થિતિમાં જીવી રહયા છે,તેમ છતાં તંત્રના સૂચક મૌનને લઈને રહીશો દુષિત અને માથું ફાડી નાખે એવી દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી અવરજવર કરવાને માટે રહીશો મજબુર બન્યા છે.આ પ્રશ્ને લાંબા સમયથી સતત રજૂઆતો કરવા છતાં સમસ્યા ઉકેલવામાં તંત્ર ઉદાસીન રહેતા રહીશો તંત્ર સામે આંદોલન કરીને લડી લેવાના મૂડમાં આવી ગયા છે.આ અંગે પાલિકાના કમિશ્નરને સ્થાનિક કાઉન્સિલર બાલુ સૂર્વે દ્વારા રજૂઆત કરીને તાકીદે સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું છે. તેઓએ પાલિકા કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે,પ્રતાપનગર રોડ,જૈન મંદિર સામે સત્યદેવ ક્વાટર્સમાં હયાત ડ્રેનેજ નલિકા ખુબજ જૂની અને જર્જરિત બની ગયેલ છે.જેમાંથી ડ્રેનેજનું પાણી આગળ જતું નથી.જેને લઈને ડ્રેનેજ નલિકાઓ અને મેનહોલો અવારનવાર ચોકઅપ થઇ જાય છે.

આને કારણે એનું દુષિત ડ્રેનેજ યુક્ત પાણી રોડ પર આવી જાય છે. જેમાંથી સ્થાનિકોને અવરજવર કરવી પડે છે. આને લઈને તેઓ ચામડીના રોગોનો શિકાર બને છે.આ બાબતે વહીવટી તંત્રને અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.તંત્રના પેટનું પાણી હાલતું નથી.આ સંજોગોમાં વહેલામાં વહેલી તકે જૂની જર્જરિત ડ્રેનેજ નલિકા બદલીને નવી ડ્રેનેજ નલિકા નાખવાની માગ કરી છે.