વડોદરા,તા.૧૪, 

વડોદરા શહેરનો ચોતરફ વણકલ્પ્યો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને શહેરની પાણીની સમસ્યાથી ચિંતિત વડોદરાના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા મંત્રી યોગેશ પટેલે એના કાયમી ઉકેલને માટેનો માર્ગ કાઢ્યો છે. લાંબા ગાળાના આ આયોજનમાં પ્રતાપપુરા સરોવરને ઊંડું કરીને એના તૂટેલા પાળા સહિતના તમામ પાળાઓને મજબૂતી બક્ષીને પાણીનો સંગ્રહ કરવાનું લાંબા ગાળાનું આયોજન કરાયું છે. જેને લઈને શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોની પાણીની સમસ્યાને ઉકેલી શકાશે. આ ઉપરાંત પ્રતાપપુરા સરોવર પાસેજ નવો ૫૦ એમેલડીનો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ પણ નાખવામાં આવશે. આ અંગેના આયોજનની નર્મદા મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પાલિકા કમિશ્નર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટિંગ કરીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર આયોજનને માટે પાલિકા દ્વારા ખર્ચનું બજેટ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવશે. જે આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન વિચારણા હેઠળ છે. જો કે ૫૦ એમેલડીના પ્લાન્ટને માટે સમય લાગશે. પરંતુ હાલમાં ચોમાસા દરમ્યાન પ્રતાપપુરા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં જે પાણી વહી જાય છે. એને અટકાવીને સંગ્રહ કરવાને માટેના કામને પ્રાધાન્ય આપવામાં આવશે. જેથી કરીને આજવા સરોવરની માફક મોટા પ્રમાણમાં પ્રતાપપુરા સરોવરમાં પણ પાણીના વિપુલ જથથાનો સંગ્રહ કરી શકાય. આ પાણી શહેરના પૂર્વ વિસ્તારના વિકસતા જતા આજવા - વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોની પાણીની સમસ્યા હલ કરી દેશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ પ્રતાપપુરા સરોવર લાંબા સમયથી પાણીનો સંકટ અને ત્રાસ અનુભવી રહેલ વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના નાગરિકોની પાણીની સમસ્યા સંપૂર્ણ પણે હલ કરી દેશે એવો અંદાજ હાલના તબક્કે લગાવાઈ રહ્યો છે. નર્મદા મંત્રી છેલ્લા કેટલાક સમયથી અવારનવાર પ્રતાપપુરા સરોવરની મુલાકાત લઇ રહયા છે. શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર ડો.જિગીષાબેન શેઠે પણ પ્રતાપપુરાની મુલાકાત નર્મદા મંત્રીની એને ડેવલોપ કરવાની વાત પછીથી અવારનવાર મુલાકાત લીધી છે. જે દરમ્યાન સૌ પ્રથમ એમાં રહેલ ઝાડી ઝાખરાને દૂર કરવામાં આવશે. ત્યારબાદ એના જે બે પાળા ભૂતકાળમાં તૂટી જતા રીપેર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ચોતરફના પાળાને મજબૂતી બક્ષીને બનાવવાને માટે સિંચાઈ વિભાગ સહિતના નિષ્ણાત ઇજનેરોની સાથે પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે. એની સાથોસાથ પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને એમાં વધુને વધુ પાણીનો સંગ્રહ થઇ શકે. તેમજ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પાણીની સમસ્યા હલ કરી શકાય. આ વિસ્તારની અંદાજે સાત લાખ ઉપરાંતના શહેરીજનોની વસ્તી પાણીના પુરવઠાને માટે તો હાલમાં માત્રને માત્ર આજવા સરોવર પર ર્નિભર છે.