અંબાજી,તા.૨૮  

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ મંગળવારે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંય્યા હતા. જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ હાર્દિક પટેલે મા અંબાના દર્શને પહોંચ્યા હતા. આજે હાર્દિક પટેલે લાઈનમાં રહીને જ અન્ય યાત્રિકોની જેમ જ મા અંબાના દર્શન કર્યા હતા.માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની પ્રથમ મુલાકાત દરમિયાન દાંતા તાલુકાના કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી અને સંગઠનના માળખાને મજબૂત કરવા આહવાન કર્યુ હતું. અંબાજી પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમે ગુજરાતનો અવાજ બનીશું અને ભાજપાની ક્રુર અને તાનાશાહી શાસનમાંથી લોકોને મુકિત માટે પ્રાર્થના કરું છું. રાજ્ય વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણીઓ જીતવાનો દાવો કર્યો હતો. જ્યારે તાલુકાને જિલ્લામાં પોતે કરનાર બેઠકોને લઈ જણાવ્યું હતું કે અમે સંગઠનને મજબૂત બનાવવાનું નક્કી કર્યુ છે.૧૮ હજાર ગામડા અને શહેરના લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરીશું.