આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ ખાતે ખંભાત, તારાપુર અને પેટલાદ તાલુકાના ખેડૂતો માટે ગુજરાત સરકારની મુખ્યમંત્રી સાત પગલાં ખેડૂત કલ્યાણના મહત્વકાંક્ષી યોજના હેઠળ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બાંધકામ અને માલ પરિવહન માટે વાહન ખરીદવા મંજૂરી પત્રોની અર્પણ વિધિ કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સ્ટ્રકચર યોજના હેઠળ ૨૩૦૩ પૂર્વ મંજૂરી, જ્યારે કિસાન પરિવહન યોજના હેઠળ ૨૩૯ને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતંુ કે, કોરોના વચ્ચે સાવચેતી રાખીને આપણે વિકાસયાત્રા આગળ ધપાવવાની છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થયો છે તેથી ખરીફ, રવિ અને ઉનાળંુ સીઝનમાં મબલક પાક થશે અને ખેડૂતો વધુ આર્થિક પગભર બનશે. છેલ્લાં ૨૫ વર્ષથી વર્તમાન સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ નવી યોજનાઓ અને સબસિડી આપીને ખેડૂતોને આર્થિક પગભર કરવાનું કામ કર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૦૫માં “કૃષિ મહોત્સવ”નો પ્રારંભ કરીને ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો પાસેથી પાક વીમા કંપનીઓ દ્વારા મોટી રકમ લેવા છતાં પણ પાક વીમા ચૂકવવાના મોટા પ્રશ્નો ઊભાં થતાં હતાં. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ર્નિણય કરીને પાક વીમાની રકમમાંથી મુક્તિ આપીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે, જેમાં રાજ્યના ખેડૂતો માટે પ્રીમિયમ વગરનો વીમો જેના માટે રાજ્ય સરકારે ચાલંુ વર્ષે રૂપિયા ૨૦૦૦ કરોડની જાેગવાઇ કરી છે. જગતના તાત-ખેડૂતને સમયસર વીજળી અને પાણી મળી રહે તો તે દુનિયાની ભૂખ ભાંગવા સક્ષમ છે. ગુજરાત સરકારે ખેડૂતો માટેની સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાની શરૂઆત કરી છે. ખેડૂતોને તેમના ઉપજના યોગ્ય પૂરતાં ભાવ મળી રહે તેવાં હેતુથી ગુજરાત સરકારે છેલ્લાં ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુ રકમની ખેત-પેદાશો ટેકાના ભાવે ખરીદી છે. ભૂતકાળની સરકારોએ એક પણ રૂપિયાની પેદાશ ટેકાના ભાવે ખરીદી નથી. આણંદ જિલ્લાના પેટલાદ ખાતે પેટલાદ ખંભાત, તારાપુર તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી સાત પગલાં ખેડૂત કલ્યાણ માટેના યોજાયેલાં કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના શુભ હસ્તે ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બાંધ કામ અને માલ પરિવહન માટે વાહન ખરીદવા માટે મંજૂરી પત્રો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય મયુરભાઈ રાવલ, સંજયભાઈ, છત્રસિંહજી, પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલ, સી.ડી. પટેલ, પૂર્વ દંડક અંબાલાલ રોહિત, જિલ્લાના અગ્રણી મહેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિકક્ષક અજીત રાજીયન, જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. સ્નેહલ પટેલ, જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલભાઈ બામણીયા, ખેતીવાડી અધિકારી, આત્મા કચેરીના અધિકારીઓ સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.