વડોદરા -

તાજેતરમાં શહેરમાં મકરપુરાના કેન્દ્રીય વિદ્યાલયના મેદાનમાં, ભારતીય વાયુ સેના દ્વારા એરમેન કેટેગરીમાં ભરતી, સ્થાનિક રોજગાર કચેરીના સહયોગથી કોરોના તકેદારીઓ પાળીને યોજવામાં આવી હતી. અરજીઓ આમંત્રિત કરવાની કાર્યવાહી, માપદંડો પ્રમાણે લાયક ઉમેદવારોની પ્રાથમિક તારવણી અને શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને કોલ લેટર મોકલવા જેવી મોટાભાગની કામગીરી કોવિડ તકેદારીના ભાગરૂપે ઓનલાઇન કરવામાં આવી હતી. ફક્ત લેખિત પરિક્ષા અને શારીરિક કસોટીની અનિવાર્ય બાબતો માટે જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આ બંને પ્રક્રિયાઓ કોવિડ તકેદારીઓ પાળીને હાથ ધરવામાં આવી હતી. ભરતી માટે ગુજરાતના તમામ જીલ્લાઓ અને દીવ, દાદરા નગર હવેલી અને દમણના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.આ ભરતીમાં આવેલા ઉમેદવારો પૈકી લેખિત પરિક્ષા, શારીરિક કસોટી અને અન્ય કસોટીઓને અંતે વડોદરાના ૨૫ સહિત કુલ ૨૫૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ છે. હવે મુંબઈ ખાતે મેડિકલ તપાસ પછી એમની અંતિમ પસંદગી થશે.

રાજ્ય સરકારનો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાતમાં થી ભારતીય સેનામાં લાયક ઉમેદવારોને ભરતીની તક મળે તે માટે સૈનિક ભરતીના આયોજનમાં નોંધપાત્ર સહયોગ આપે છે.વર્તમાન ભરતીમાં સ્થાનિક રોજગાર કચેરીએ એ પરંપરા અનુસાર ખૂબ સહયોગ આપ્યો હતો. દસ દિવસ ચાલેલી ભરતી પ્રક્રિયા દરમિયાન કચેરીનો સ્ટાફ વહેલી સવારે ૩.૩૦ કલાકે મેદાન પર હાજર થઈ ઉપસ્થિત ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી સહિતની પ્રક્રિયાઓમાં એર ફોર્સ સ્ટાફને મદદરૂપ બનતા, ભરતી ખૂબ સરળતાથી હાથ ધરી શકાય હતી. કચેરી દ્વારા ઉમેદવારોની થર્મલ ગનથી ચકાસણી, પલ્સ ઓકિસમિટર તપાસ જેવા કામોમાં સહયોગ આપવાની સાથે ઉમેદવારોને સવારનો નાસ્તો, ફૂડ પેકેટ, વોટર બોટલ પૂરા પાડવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી.