વડોદરા : વડોદરા નજીક સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદ અંત આવ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે અગાઉ કરાયેલ જાહેરાત મુજબ પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવી છે. ગાદીના વિવાદને લઇને આજે પ્રેમસ્વરૂપદાસ સ્વામી, પ્રબોધ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામી સામે આવ્યા હતા અને પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીએ જણાવ્યું હતું કે, ગાદીપતિને લઇને કોઈ વિવાદ છે જ નહીં. અમે તમામ એકજૂટ સાથે મળીને તમામ સંતો કામ કરી રહ્યા છે.

સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોઇ વિવાદ નથી. કેટલાક ભક્તોએ લાગણીવશ પ્રબોધ સ્વામીને લઇને તેમની લાગણી વ્યક્ત કરી હતી. પ્રબોધ સ્વામીએ પણ ક્યારેય ગાદીપતિ થવાનો વિચાર કર્યો નથી. સમગ્ર હરિધામ પરિવાર સ્વામીજીના જીવનમંત્રને લઇને સેવાકીય કાર્યો કરે છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામીના નેતૃત્વમાં અમે સેવારત છીએ. તેમનો સ્વીકાર અમને ખુબ સહજ છે અને તેમની આજ્ઞામાં રહેવુ એ અમારી ભક્તિ છે.

ઉલ્લેખનિય છે કે, પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. તેઓ આણંદ જિલ્લાના ધર્મજ ગામના વતની છે. તેઓની ઉંમર હાલ ૭૫ વર્ષની છે અને હાલ તેઓ યોગી ડિવાઇન સોસાયટીના કોઠારી સ્વામી તરીકેની સેવા આપી રહ્યા છે.

સોખડા હરિધામ મંદિર ખાતે હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરનિવાસી થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ મહારાજને ગાદી પર બિરાજમાન કરવા અંગે શનિવારે સાંજે એક કાર્યક્રમનુ આયોજન કરાયુ હોવાનું કેટલાક હરિભક્તોએ જણાવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપદાસ અને પ્રબોધજીવન સ્વામી બંને અનુયાયીના સંતો અને હરિભક્તો વચ્ચે ગાદિપતી જાહેર કરવા સંદર્ભે હોબાળો કરી મંદિર પાસે જ સ્વામીનારાયણની ધૂન કરવા બેસી ગયા હતા. હરિભક્તો વચ્ચે હોબાળો થતાં આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. જાેકે,આવો કોઈ કાર્યક્રમ ન હતો પરંતુ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ હરિભક્તોની હાજરીમાં સોખડા હરિધામમાં હરિપ્રસાદ સ્વામીજીના દ્વિમાસીક સ્મૃતદિન નિમિત્તે સભા પણ યોજાઈ હોંવાની સ્પષ્ટતા મંદિર દ્વારા કરવામાં આવી હતી.