ગાંધીનગર-

ગુજરાત સહિત દેશભરમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આરોગ્ય તંત્રએ શહેરની આમ જનતાને પણ ઝડપથી વેકસીન મળે તેની પણ વ્યવસ્થા શરૂ કરી દીધી છે. માસ વેકસીનેશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્કૂલ બોર્ડની 400 શાળાઓની યાદી તૈયાર કરી છે. આ રસીકરણ અભિયાનમાં સ્કૂલબોર્ડના 600 શિક્ષકોને પણ કામગીરીમાં જાેડવાની તૈયારી કરી છે. કોરોના વાયરસને નાથવા ટીકા કરણ અભિયાન શરૂ થયું છે. વેકસીનની શરૂઆતમાં ફ્રન્ટ લાઈન વોરિયરને વેકસીન આપવાની કામગીરી કરાઈ છે.

પરંતુ ફ્રન્ટલાઈન વોરિયર બાદ શહેરીજનો માટે માસ વેકસીનેશન માટેની તૈયારીઓ પણ તંત્રએ અત્યારથી કરી લીધી છે. અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એએમસી સંચાલિત 400 જેટલી શાળાઓમાં વેકસીનેશન કરાશે. વેકસીનેશનની આ પ્રક્રિયામાં સ્કૂલબોર્ડના ૬૦૦ શિક્ષકો પણ ફરજ બજાવશે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડે કોરોનામાં ફરજ બજાવનાર ૧૫૦૦ જેટલા શિક્ષકોની યાદી પણ વેકસીનેશન માટે મોકલવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેનસિંગ તોમરએ જણાવ્યું કે, એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા અમારી પાસે શાળાઓની યાદી માગવામા આવી હતી. જેથી સ્કૂલબોર્ડ સંચાલિત 400 શાળાઓની યાદી સોંપી છે.

જ્યારે લોકોને રસી આપવાની થશે ત્યારે શાળાઓની જરૂર પડશે અને હાલમાં કોરોનાને લઈ સ્કૂલબોર્ડની પ્રાથમિક શાળાઓ બંધ છે. રસી લેવા માટે લોકોને નજીકનું સ્થળ પણ મળી રહે તેને લઈ શાળાઓમાં આ વ્યવસ્થા ગોઠવાય તેવી તંત્રની તૈયારી છે. મહત્વનું છે કે, કોર્પોરેશન સંચાલિત શાળાના શિક્ષકો અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાના શિક્ષકોએ પણ કોરોનાના કપરા કાળમાં ડોર ટુ ડોર સર્વેથી માંડીને રાશન વિતરણ અને કોવિડ સેન્ટરમાં નોન કોવિડ ડ્યુટીમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી હતી. જેને લઈ આવા શિક્ષકોને પણ રસી આપવાની યાદી આરોગ્ય તંત્રને મોકલવામાં આવી છે.