વડોદરા,તા. ૨૫

અલકાપુરી સ્થિત બરોડા હાઈસ્કુલમાં ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરનાર ઘણાબધા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિશન ન મળતા વાલીઓ દ્વારા એડમિશન પ્રક્રિયામાં પક્ષપાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આજે સ્કૂલના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કરીને સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપીને રજૂઆત

કરવામાં આવી હતી.

વિપુલકુમાર બારોટ નામના એક વાલીના જણાવ્યા પ્રમાણે, તેમના બાળક સહીત બરોડા હાઈસ્કુલમાં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરનાર અને ધોરણ ૧૦માં સારા ટકા મેળવનાર ઘણાબધા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિશન માટે ફોર્મ ભર્યા હતા. તેમ છતાં સ્કુલ તરફથી એડમિશન ફૂલ થઇ ગયા છે, તેમ જણાવીને એડમિશન આપવામાં આવ્યા ન હતા. એડમિશનની પ્રોસેસમાં મેરીટ મુજબ એડમિશન ફાળવવાના હોવાથી જ્યારે સ્કુલ મેનેજમેન્ટ પાસે મેરીટ લિસ્ટ નોટિસ બોર્ડ પર મુકવાની માંગ કરતા બીજા દિવસે માત્ર એડમિશન આપેલા વિદ્યાર્થીઓના નામની યાદી નોટિસ બોર્ડ પર મુકતા એડમિશનની પ્રક્રિયા પર શંકાના વાદળો ઉભા થયા હતા. વાલીઓને સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલ મેરીટ લિસ્ટનો ફોટો પણ ના પાડવા દેતા શંકાઓ પ્રબળ બની હતી.

જેના કારણે આજે વાલીઓએ સ્કુલ બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપીને પ્રવેશ પ્રક્રિયામાં થઇ રહેલા પક્ષપાતને દૂર કરવા રજૂઆત કરી હતી.

ડી.ઈ.ઓ દ્વારા ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહના પ્રવેશ માટેની ગાઇડલાઇન જાહેર કરાઈ

ધો. ૧૦માં પાસ થયા બાદ ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ડી.ઈ.ઓ દ્વારા ગાઇડલાઇન જાહેર કરી છે. જેના અનુસાર દરેક સ્કૂલને મેરીટ લિસ્ટ તૈયાર કરીને ૩૦ જૂન સુધીમાં જમા કરાવવાની રહેશે. જ્યારબાદ ૧લી જુલાઈથી પ્રવેશ ફાળવવાની શરૂઆત થશે. ધોરણ ૧૧ સાયન્સના એક વર્ગમાં કુલ ૭૪ વિદ્યાર્થીઓને એડમિશન આપવાના રહેશે. જેમાંથી મેરિટના આધારે ૪૦ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી, ૧૦ વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી તેમજ ૨૪ વિદ્યાર્થીઓ અનામત કેટેગરીના હોવા જોઈએ. આ ઉપરાંત પ્રવેશથી વંચિત રહેનાર અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૩ જુલાઈથી ડી.ઈ.ઓ દ્વારા પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવશે. ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ માટે નિયમોનુસાર જાતે જ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.