વડોદરા : વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા પછીથી ડો.વિજય શાહ શહેરના સર્વાંગી વિકાસને માટે સતત પ્રયત્નશીલ રહયા છે. શહેરના તમામે તમામ ૧૯ ઈલેક્શન વોર્ડ અને પાલિકાના તમામ ૧૨ વહીવટી વોર્ડની કામગીરીને માટે કાર્યરત છે. ત્યારે આજે વડોદરાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર શહેરના પાંચે પાંચ ધારાસભ્યો જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો અકોટાના સીમાબેન મોહિલે, શહેર-વાડીના મનીષાબેન વકીલ અને સયાજીગંજના જીતુ સુખડીયા એક સાથે અધ્યક્ષની રાહબરી હેઠળ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાને માટે ગયા હતા. જ્યાં તેઓ સાથે મોકળા મને વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો અને વિકાસના દ્રષ્ટિકોણને લઈને બૃહદ ચર્ચા વિચારણાઓ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપીને વડોદરાના સર્વાંગી વિકાસને માટે રાજ્ય સરકારના દ્વાર સદાય માટે ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. એની સાથોસાથ શહેરની કોઈપણ વિકાસ યોજનાઓને આગળ વધારવાને માટે સરકાર શહેરીજનો અને પાલિકાની સાથે હોવાનું જણાવી આશ્વાશન આપ્યું હતું. જેને લઈને આગામી દિવસોમાં શહેરના અટવાયેલા પ્રશ્નો ઉકેલાવાને લઈને એક નવી આશા જન્મી છે. ત્યારબાદ નર્મદા મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સિવાય બાકીના ત્રણ ધારાસભ્યો અને શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગયા હતા. જ્યાં તેઓએ વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના કિનારે થયેલા વિકાસને લઈને રિવર ફ્રન્ટ શક્ય ન હોવાથી વિશ્વામિત્રીના વિકાસને માટે ડીપીઆર બનાવવાને માટે વાત કરી હતી. એની સાથોસાથ વિશ્વામિત્રીના નવ્સર્જનની વાત કરી હતી. આ પછીથી રાજ્યના કાયદા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા ગયેલા પ્રતિનિધિ મંડળે શહેરના ભાયલી ખાતે વુડાના આવાસોની લઘુમતીઓને કરાયેલ ફાળવણીને લઈને ઉભા થયેલા વિવાદ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. એની સાથોસાથ આ ફાળવણીને લઈને જે સમસ્યાઓ ઉભી થવા પામી છે. એનો હલ લાવવાને માટે આગ્રહ કર્યો હતો. જેના પ્રત્યુત્તર રૂપે ગૃહ સહ કાયદા મંત્રીએ આ બાબતમાં ઘટતું કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત પ્રતિનિધિ મંડળે શહેરના ગાયકવાડી સમયની ઐતિહાસિક ઇમારત કોર્ટનું બિલ્ડીંગ ખાલી થયા પછીથી જૈસે થે ની સ્થિતિમાં છે. એને સીટી મ્યુઝિયમમાં તબદીલ કરવાને માટે તત્કાળ સરકારી રહે વિવિધ વિભાગોનું સંકલન કરીને હુકમો કરવામાં આવે. જેથી આ ઇમારત પાલિકાને સોંપવામાં આવે તો એમાં ઝડપભેર સીટી મ્યુઝિયમ ઉભું કરી શકાય એ બાબતે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તર રૂપે પ્રદીપસિંહે આ બાબતે ઘટતું કરવાની ખાતરી ઉચ્ચારી હતી. તેમજ ન્યાયમંદિરનો પ્રશ્ન ઉકેલી આપવા પણ ખાતરી આપી હતી. એની સાથોસાથ એનું વહેલામાં વહેલું ઉદ્ધઘાટન કરવામાં આવે એને માટે પોતે તમામ પ્રયાસો કરશે એવી પણ હૈયાધારણા આપી હતી. આમ વડોદરા શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પાંચેપાંચ ધારાસભ્યોની સંયુક્ત રજૂઆત અને શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહના પ્રયાસોને લઈને શહેરના લાંબા સમયથી અટવાયેલા વિવિધ પ્રશ્નો ઝડપભેર ઉકેલાવાની આશા જન્મી છે.