વડોદરા,તા.૫

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ઉભા રહીને દબાણ કરતા લારીગલ્લાઓ અને પથારાવાળાઓ તથા અન્ય દબાણો પર કડક કાર્યવાહી હાથ ધરીને આવા દબાણોનો સફાયો બોલાવ્યો છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાના વહીવટી વોર્ડ-૧૦ની ટીમ અને દબાણ શાખાની ટુકડીઓ તથા ટ્રાફીક પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા મેઘા ઓપેરેશનમાં સ્ટેશનથી જીઈબીની મુખ્ય કચેરી તરફ જતા માર્ગ પર આડેધડ અને ટ્રાફિકને અડચણરૂપ થાય એવી રીતે તેમજ માર્ગમાં અવરોધરૂપ બને એવી રીતે મનસ્વી રીતે ઉભા કરી દેવામાં આવેલ લારીગલ્લા અને પથારાવાળા તથા વિવિધ ખુમચાવાળાઓ ઉપરાંત નાના નાના વાહનો અને રીક્ષા ટેમ્પો જેવા સાધનોમાં ચીજ વસ્તુઓ મૂકીને વેચાણ કરનારાઓના બે ટ્રક ભરીને સામાનની જપ્તી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલેક ઠેકાણે તાડપત્રી બાંધીને કાચા ઝુંપડા જેવા શેડ નીચે કહાની પીણીની ચીજ વસ્તુઓનું વેચાણ કરનાર પર પણ સપાટો બોલાવ્યો છે. દબાણ શાખાની ટીમ દ્વારા અલકાપુરી આરસી દત્ત રોડ પર એક કોમ્પ્લેક્ષમાં જીઈબીની ડીપી નીચે નાની સરખી દીવાલ અને ઓટલી બનાવીને મંદિર બનાવવાનો પ્રયાસ કરાયો હતો.એને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના હરણી એરપોર્ટની આસપાસના વિસ્તારમાં અને એના માર્ગ પર ઉભા કરવામાં આવેલા દબાણોનો પણ મોટાપાયે સફાયો કરીને દબાણ શાખાની ટીમો દ્વારા અંદાજે બે ટ્રક ઉપરાંતનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.