વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઓપરેશન ક્લીન અભિયાનને જારી રાખવામાં આવ્યું છે. જેમાં ઘર આંગણે ખંડેરાવ માર્કેટથી શરુ કરીને અત્યંત સંવેદનશીલ મનાતા ભૂતડી ઝાપાથી લઈને ફતેપુરા ચાર રસ્તા સુધીના અસંખ્ય દબાણો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેટલાક દબાણોને દૂર કરવાને માટે જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દબાણો દૂર કરવાની કામગીરી દરમ્યાન એક તબક્કે લઘુમતીઓના ટોળે ટોળા આવી જતા તંગદિલી વ્યાપી ગઈ હતી. પરંતુ પોલીસ કાફલાને લઈને દબાણની કામગીરીમાં વિઘ્ન નાખવામાં કોઈ સફળ થયું નહોતું.

આ કામગીરી દરમ્યાન ૨૦ લારીઓ ઉપરાંત અન્ય સામાનો જપ્ત કરવામાં આવ્યા છે. અંદાજે પાંચ ટ્રક ઉપરાંતનો સામાન જપ્ત કરાયો છે. પાલિકાના અંતરંગ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દબાણ શાખાની ટીમ દ્વારા પાલિકાના વહીવટી વોર્ડ-૮ ના વિસ્તારમાં આવેલ ભૂતડી ઝાંપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને એની આસપાસમાં આવેલ જૂની વોર્ડ ઓફિસના માર્ગ પર દબાણો કરીને ઉભી કરવામાં આવેલ લારીઓ, ગલ્લા,શેડ વગેરે દબાણોને હટાવી લેવામાં આવ્યા હતા.

જેમાં બે ખુલ્લી લારીઓ, બે છતવાળી લારીઓ, ભંગાર હાલતમાં પડી રહેલી અને બિન જરૂરી દબાણ ઉભું કરતી ૧૬ બંધ લારીઓ તેમજ એક લોખંડની જાળીનું સ્ટેન્ડ મળીને કુલ ૨૧ દબાણોને દબાણ ટુકડીએ હટાવી લઈને જમા લીધા હતા.