વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ અને વડોદરા જિલ્લા પંચાયત, જિલ્લાની આઠ તાલુકા પંચાયતો અને જિલ્લાની ત્રણ નગર પાલિકાઓની ચૂંટણીઓ આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીઓમાં ઝંપલાવવાને માટે બંને હરીફ રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે હવે બંને રાજકીય પક્ષોના ઢગલાબંધ દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યા પછીથી ટીકીટ મેળવવાને માટે દાવેદારો રાજકીય ગોડફાધરોના શરણે દોડી ગયા છે. શહેરમાં પ્રવર્તી જૂથબંધી અને ભાજપમાં ચૂંટણી પહેલા જ બદલાયેલ પ્રદેશ પ્રમુખ અને શહેર અધ્યક્ષને લઈને તમામ પ્રકારના સમીકરણો બદલાઈ ચુક્યા છે. ત્યારે અનેક પૂર્વ કાઉન્સિલરો ટીકીટ કપાવવાના ડરને લઈને રાજકીય ગોડફાધરોના શરણે દોડી ગયા છે. તેમજ તમામ પ્રકારે એડી ચોટીનું જાેર લગાવીને ટીકીટ મેળવવાને માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે એવી પણ વાતો ઉડી રહી છે તેમજ જાેરશોરથી કાર્યકરોમાં એને માટે ગરમા ગરમ ચર્ચાઓ પણ થઇ રહી છે કે કન્ફર્મ ટીકીટ મેળવવાને માટે અને હોદ્દો મેળવવાને માટે ઘણા ઉંચા ભાવો અત્યારથી જ રાજકીય પક્ષોમાં બોલાઈ રહ્યા છે. જેને લઈને સેવાના નામે મેવા ખાવા રાજકારણમાં આવનાર તમામ રીતે એડી ચોટીનું જાેર લગાવીને ટીકીટ મેળવીને ચૂંટણીમાં ઝંપલાવવાને માટે થનગની રહ્યા છે. આ સંજાેગો વચ્ચે રાજકીય પક્ષોના પાયાના અને સક્રિય કાર્યકરો કરતા શામ,દામ, દંડ,ભેદની નીતિ અપનાવીને કાંડા અને નાણાંના જાેરે ચૂંટણી જીતી શકે એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાશે એમ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જાેવાનું એ રહે છે કે આગામી ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષ સ્વચ્છ પ્રતિભા ધરાવનાર અને પ્રજાના સાચા સેવકોને ટીકીટો ફાળવે છે કે પછીથી ઉપલી કક્ષાએથી આવતા નેતાઓના દબાણમાં ટીકીટોની ફાળવણી કરવામાં આવે છે એતો નામો જાહેર થયા પછીથી જ ખબર પડશે. પરંતુ હાલમાં તો કયા દાવેદારોના રાજકીય ગોડ ફાધરોનું કેટલું દબાણ કામ આવે છે એનો પડદો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હતી જશે. જ્યાં સુધી વડોદરા શહેર અને જિલ્લાની ચૂંટણીઓને લાગેવળગે છે ત્યાં સુધી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લામાં પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણીઓમાં ૨૮૮ બેઠકોને માટે ભાજપમાંથી ૧૨૩૩ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. જે પૈકી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોને માટે ૧૯૨એ દાવેદારી નોંધાવી છે. આજ પ્રમાણે જિલ્લાના આઠ તાલુકાની ૧૭૪ બેઠકોને માટે ૬૮૯એ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત જિલ્લાની ત્રણ નગર પાલિકાઓ જ્યાં ચૂંટણી યોજાનાર છે. એ સાવલી, ડભોઇ અને પાદરાની ૮૦ બેઠકોને માટે કુલ ૩૫૨એ દાવેદારી નોંધાવી છે. આજ પ્રમાણે કોંગ્રેસમાં પણ મોટાપાયે દાવેદારી નોંધાવવામાં આવી રહી છે.

 જેમાં જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોને માટે ૧૩૧ અને તાલુકા પંચાયતની ૧૬૮ બેઠકોને માટે ૬૨૨ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. આમ બંને મુખ્ય રાજકીય પક્ષોમાં મોટા પ્રમાણમાં ઉમેદવારીને માટે દાવેદારો ઉભા થતા ટિકિટ મેળવવાને માટે રાજકીય ગોડફાધરના શરણે દાવેદારો દોડી ગયા છે. તેમજ કોઈપણ પ્રકારે ટિકિટ મળે એના માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે.