ગાંધીનગર, સવાસો કરોડ જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સર્વગ્રાહી સર્વસ્પર્શી અને સર્વ સમાવેશી વિકાસમાં જન-જનને જાેડવાનું સહકારિતાનું શ્રેષ્ઠ મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં વિકાસના ઘણા મોડલ આવ્યા, પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની- ઉન્નતિની તક આપતું સહકારિતાનું મોડલ આઝાદીનાં ૭૫ વર્ષ પછી કોઈ વડાપ્રધાને સરકારમાં પૂર્ણ પણે સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગાંધીનગર નજીક અમૂલ ફેડ ડેરીના કુલ ૪૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ચાર અત્યાધુનિક નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલી અમૂલ ફેડ ડેરીના ચાર અત્યાધુનિક પ્લાન્ટ અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા દૂધ પાઉડર પ્લાન્ટ, પોલિફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્‌સનું ઉદઘાટન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્‌સમાં રૂપિયા ૪૧૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ અવસરે પ્રગતિશીલ મહિલા પશુપાલકો દૂધ ઉત્પાદક બહેનોને સન્માનિત કરતાં જણાવ્યું કે, વિશ્વમાં વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણની ચર્ચા કરનાર લોકો ગુજરાતની ગ્રામીણ નારીશક્તિની ક્ષમતાના ઉત્કૃષ્ઠ અમૂલ પેટર્નનો અભ્યાસ કરી લે. સવારે ૪ વાગ્યે ઊઠીને પશુ દોહવાનું અને દૂધ મંડળીમાં દૂધ પહોંચાડવાનું જે કામ ગ્રામીણ મહિલા શકિત કરે છે, તે એક આગવી તાકાત છે. ૩૬ લાખ લોકો એકસાથે મળીને સમાન હિત સમાન ધ્યેય સાથે કામ કરે તો પ્રચંડ જન શક્તિની કેટલી મોટી તાકાત બની શકે, તે અમૂલે સહકારિતાના આંદોલનથી વિશ્વને બતાવ્યું છે એમ પણ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલના આ સહકારિતા મોડેલને સસ્ટેનેબલ અને લાંબાગાળાના સર્વગ્રાહી વિકાસનું શ્રેષ્ઠ મોડેલ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પહેલા ગાંધીજી અને સરદાર સાહેબના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગ્રામીણ ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પ્રવૃત્તિ આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં વટવૃક્ષ બની સહકારથી સમૃદ્ધિનું ઉદાહરણ બની છે. આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)નું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક ૫૦ લાખ લિટરની છે. દૈનિક ૧૫૦ ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક ૩૫ લાખ લિટરથી વધારીને ૫૦ લાખ લિટર કરવામાં આવી છે. આ નવો પ્લાન્ટ ૨૪ કલાક કાર્યરત રહે તે રીતે રૂપિયા ૨૫૭ કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે.