વડનગર : કેન્દ્રના નવા ૩ કૃષિ બિલના વિરોધમાં ભારત બંધની ગુજરાતમાં નહીવત અસર જાેવા મળી હતી. બીજી તરફ પાટણ-અમરેલી-જૂનાગઢ સહિતના શહેરોએ બંધ પાળ્યો હતો. જાેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર પણ ખેડૂતોના સમર્થનમાં બંધ રહ્યુ હતું.વડનગરમાં ખેડૂતોના સમર્થનમાં વેપારીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખી હતી. વડનગરમાં કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ઉત્તર ગુજરાતમાં પાટણ સ્વયંભૂ બંધ રહ્યુ હતું. મોરબી, સાણંદ, દહેગામ સહિતના શહેરોએ પણ બંધ પાળ્યો હતો. આ શહેરોમાં ખેડૂતોના સમર્થનમાં વેપારીઓએ બજાર બંધ રાખી ખેડૂતોને સમર્થન આપ્યુ હતું. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોએ અનેક શહેરોમાં સ્વયંભૂ બંધ પાળી ખેડૂતોને સમર્થન આપ્યું હતું. અમરેલી અને જૂનાગઢ સંપૂર્ણ બંધ રહ્યા હતા. જામનગરનું રાણપુર પણ ખેડૂત આંદોલનને પગલે બંધ રહ્યુ હતું. છોટા ઉદેપુરનું ક્વાંટ ગામ પણ સજ્જડ બંધ રહ્યુ હતું. ભરૂચ જિલ્લાનું સરભાણ ભારત બંધ એલાનને ખેડૂતોના સમર્થનમાં દુકાનદારો તથા વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળી સમર્થન કર્યુ હતું. દહેગામ પણ ખેડૂતોના સમર્થનમાં સંપૂર્ણ બંધ રહ્યુ હતું.