કચ્છ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ૧૫ ડિસેમ્બરે માત્ર એક દિવસ માટે જ કચ્છ આવશે. અગાઉ તા.૧૪ના આવવાના હતા અને રાત્રિ રોકાણ ધોરડો ખાતે કરશે તેવા અહેવાલો હતા. પરંતુ ધોરડોની ટેન્ટ સિટીના રજવાડી ટેન્ટમાં તેઓ રાતવાસો કરવાના નથી. ભુજથી ૭૦ કિમીના અંતરે આવેલા ધોરડો ખાતે ટેન્ટસિટીનું નિર્માણ કરાયું છે, અહીં દર વર્ષે ટેન્ટ ઊભા કરાય છે અને તેમાં બે ખાસ રજવાડી ટેન્ટ પણ ઊભા કરાય છે. આ ટેન્ટમાં મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી રોકાતા હતા. રણોત્સવે રાજ્યના પ્રવાસનક્ષેત્રે ઘેલું લગાડ્યું છે. ત્યારે સફેદ રણમાં ટેન્ટસિટીમાં જાજરમાન ‘રજવાડી’ નામના બે ટેન્ટ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. દર વર્ષે ઊભી કરાતી ટેન્ટસિટીમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ઉદઘાટન સમારોહ બાદ અહીં બનાવેલા આ ખાસ દરબારી શ્યૂટમાં રોકાતા હતા.

એટલું જ નહીં આ દરબારી રજવાડી ટેન્ટનું ભાડું પણ અધધ રૂ. ૪૦ હજારથી વધારે રહેતું હતું. ટેન્ટસિટીમાં ઊભા કરાયેલા રજવાડી ટેન્ટને પચાસ લાખના ખર્ચે ઊભા કરાય છે. આ બે ટેન્ટમાં રોકવા માટે કચ્છનું વહીવટી તંત્ર કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પાસે તેનું બુકિંગ નથી થતું. આ ટેન્ટનું રિઝર્વેશન રાજ્ય સરકારે પોતે ગાંધીનગરથી કર્યું છે. આ ટેન્ટનું બુકિંગ મોટા ભાગે કોર્પોરેટ હાઉસીસના ટોપના મેનેજમેન્ટના લોકો દ્વારા કરવામાં આવે છે. જેને પગલે રણમાં રાતવાસો કરવાની ખેવના હોય તેવા લોકોએ રાહ જાેવી પડતી હોય છે. ટેન્ટસિટીના વીવીઆઇપી કલસ્ટરમાં રજવાડી નામના પચ્ચીસ-પચ્ચીસ લાખના બે લકઝુરિયસ તંબુ ઊભા કરવામાં આવે છે. આ આલીશાન ટેન્ટમાં અદ્યતન સુવિધાઓ હોય છે.

ખાસ રજવાડી ટેન્ટમાં રૂમથી માંડીને શયનખંડ, મહેમાનો માટેનો રૂમ, વેનિટી રૂમ અને ડાઇનિંગ રૂમ પણ બનાવવામાં આવે છે. આ ટેન્ટ કેટલો આલીશાન છે તેનો અંદાજ તંબુમાં મૂકેલાં ફર્નિચર ઉપરથી પણ આવી શકે છે. આ ખાસ વીવીઆઈપી એવા એક ટેન્ટમાં ૨૫થી વધુ ખુરશી, એન્ટિક કબાટ, અતિ મુલાયમ ગાદલાંવાળો ડબલ બેડ ઉપરાંત ગરમ પાણીની સુવિધાવાળો બાથરૂમ પણ બનાવવામાં આવે છે. દર વર્ષે વીવીઆઈપી ટેન્ટ રજવાડી સિવાય ટેન્ટ સિટીમાં ગુજરાત મંત્રીમંડળના સભ્યો, વિશિષ્ટ આમંત્રિત મહેમાનો, વિદેશી રાજદ્વારીઓ અને તેમનો રસાલો (એડીસી-એઇડ ધી કેમ્પ) માટે ૧૪ વિશિષ્ટ ટેન્ટ ઊભા કરવામાં આવે છે. આ ઉપરાંત સી.એમ.ના ટેન્ટવાળા વીવીઆઇપી કલસ્ટરમાં એક મીટિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર ટેન્ટસિટીમાં નજર રાખી શકાય છે.