વડોદરા : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના સ્વાસ્થ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી માહિતી મેળવી છે. વડાપ્રધાનએ મુખ્યમંત્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે. વડોદરાથી હવાઇ માર્ગે અમદાવાદ આવ્યા બાદ તુરત જ તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

મોસાળમાં જમવાનું અને મા પીરસનાર છે ત્યારે એનો લાભ લઈએ : સીએમ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી વિકાસને કેન્દ્રમાં રાખીને આવી છે. ગુજરાતને માટે મોસાળમાં જમવાનું અને માં પીરસનાર જેવી સુવર્ણ તક છે. જે માગીએ એ કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આપવા બેઠી છે. અગાઉના વર્ષોમાં કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને અન્યાય કરતી હતી. તેઓએ સાત સાત વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા ચણવા દીધા નહોતા. જયારે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીપદે બેસતાની સાથે જ માત્ર સત્તર દિવસમાં નર્મદા બંધના દરવાજા ચણવાની મંજૂરી આપી દીધી હતી. સોનિયા ગાંધીના ઈશારે ચાલતી યુપીએની કેન્દ્ર સરકારે ગુજરાતને વર્ષો સુધી અન્યાય કર્યો છે. હવે મોદીના શાસનમાં ઘેર બેઠા ગુજરાતને માગે -જાેઈએ એ મળે છે. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બધેજ ભાજપનું રાજ સ્થપાઈ રહ્યું છે.ત્યારે એકરાગે સમરસને લઈને વિકાસની ઉત્તમ તકનો સુવર્ણ યુગ આવ્યો છે.

વિશ્વામિત્રીના પૂરની સમસ્યા હલ કરાશે

આ ચૂંટણી રાજ્યના મહાનગરોમાં રસ્તા,ગટર,લાઈટ,પાણીની આધુનિક સુવિધાઓ વધારવાને માટે મહત્વની છે. આ વિકાસને માટે પણ મતદારોને ભાજપને મત આપવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. તેઓએ વડોદરામાં સમગ્ર રાજ્યનો સૌથી લાંબામાં લાંબો ઓવરબ્રિજ તૈયાર થઇ રહ્યો છે.એને માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર પાલિકા અને એના પૂર્વ શાસકોને રૂપિયા અઢીસો કરોડ રાજ્યની ભાજપા સરકારે ફાળવ્યાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યા હાલ કરવાની પણ ખાતરી ઉચ્ચારી હતી. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીને કારણે પ્રતિવર્ષ આવતા પુરના પ્રશ્નનું પણ કાયમી નિરાકરણ લાવવાને માટે ખાતરી આપી હતી. જેથી પાણીના ભરાવાને લઈને નાગરિકોને ઘરમાં ભરાઈ રહેવું પડે નહિ. વડોદરાને આ કાયમી સમસ્યામાંથી બહાર લાવવાનું વચન પણ તેઓએ આપ્યું હતું.