રાજકોટ-

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહેશે ઉપસ્થિત : કાર્યક્રમની તૈયારી સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકનો દોર, કાર્યક્રમના સ્થળની વિઝિટ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વના એવા એઇમ્સ પ્રોજેકટનું વડાપ્રધાનના હસ્તે આગામી ૩૧ ડિસેમ્બરના રોજ ઇ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમની તૈયારી સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાથે અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની વિઝીટ પણ કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આગામી તારીખ ૩૧ ડિસેમ્બરે યોજાનાર એઈમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક એઈમ્સના સાઇટ સ્થળે યોજાઇ હતી.મુખ્યમંત્રી વિજય આ કાર્યક્રમમાં જાતે ઉપસ્થિત રહેશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમનું દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈન રોડથી સભા સ્થળ સુધીના રૂટનું આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગદર્શિકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે બાબતો વિષે આ બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી. પરાપીપળીયા અને પડધરી ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.