ન્યુ દિલ્હી

વડાપ્રધાન કાર્યાલયથી દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે. 14મેના રોજ સવારે 11 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન પીએમ-કિસાન યોજના અંતર્ગત આર્થિક લાભોના 8માં હપ્તાને બહાર પાડશે.પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 9.5 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 19 હજાર કરોડથી વધુનો લાભ મળશે. વડાપ્રધાન કચેરી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પીએમ-કિસાન સન્માન નિધિની રકમ જાહેર કરશે અને લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.      

સરકાર આઠમો હપ્તો ચૂકવશે. આ યોજના અંતર્ગત થોડા અપવાદોને બાદ કરતા ખેતી કરતા ખેડૂત પરિવારોની આવકમાં વાર્ષિક 6 હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત દર ચાર મહિને 2,000-2,000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે.