નવી દિલ્હી,તા.૪ 

ગલવાન ખીણમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદો દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખ પહોંચ્યા હતા. પીએમ મોદીના લદ્દાખ પહોંચવાની ખબર કોઈને નહોતી. પીએમ મોદીએ લદ્દાખની પોતાની આ મુલાકાતથી આખી દુનિયાને ચોંકાવી દીધી. આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે મુલાકાત કરી અને ગલવાન ખીણની સ્થિતિ અંગે માહિતી મેળવી. આ સાથે પીએમ મોદીએ સૈનિકોનું મનોબળ પણ વધાર્યું. લદ્દાખની મુલાકાતનો પીએમ મોદીનો નિર્ણય સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો.

લોકો પીએમ મોદીના આ નિર્ણયને બિરદાવી રહ્યા છે અને પીએમ મોદી સાથે ભારતીય સેનાને સલામ કરી રહ્યા છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્‌સમેન શિખર ધવને પણ એક પોસ્ટ કરી જે ખૂબ વાયરલ થઈ રહી છે. પીએમ મોદી દ્વારા લદ્દાખની ઓચિંતી મુલાકાતને શિખર ધવને સલામ કરી બિરદાવી છે. ધવને ટ્વિટ કરી લખ્યું કે, પીએમ મોદીએ લેહમાં સેનાના જવાનોને મળી જબરદસ્ત નેતૃત્વ ક્ષમતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

મોદીજીની આ મુલાકાતથી સેનાના જવાનોનો ઉત્સાહ વધશે જે આપણા માટે પોતાનો જીવ જાખમમાં મૂકે છે. આપને જાણાવી દઈએ કે પીએમ મોદીએ લદ્દાખની મુલાકાત દરમિયાન ત્યાં જવાનોને સંબોધિત કર્યા અને તેમના શૌર્ય અને બહાદુરીને બિરદાવી. આ સાથે પીએમ મોદીએ ગલવાણ ખીણમાં શહીદ થયેલ ૨૦ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.