દિલ્હી,

ભારતની સીમા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત અનેક સીમાવર્તી વિસ્તારોમાં અનેક હાઇવે પ્રોજેક્ટ્‌સ ચાલી રહ્યા છે અને એમને પ્રાધાન્ય આપવાની વાત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહી હતી.

બાર્ડર રોડ્‌સ આૅર્ગેનાઇઝેશન (બ્રો)એ ચમ્બા ટાઉનમાં વ્યસ્ત ઋષિકેશ-ઘરાસુ હાઇવે નીચે સફળતાપૂર્વક ૪૪૦ મીટર લાંબી ટનલ ખોદવાનું ભગીરથ કાર્ય સંપન્ન કર્યું છે. સીમા પર એવા હાઇવે તૈયાર થઇ રહ્યા છે કે જેનો ઉપયોગ હવાઇપટ્ટી તરીકે આપાતકાલીન સમયમાં કરી શકાય. સરહદ નજીક આવી ૧૭માંથી ત્રણ વ્યૂહાત્મક યોજનાઓ પૂરી કરવામાં આવી છે. બાકીની યોજનાઓ પર યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું છે.

આ બધા હાઇવેનું કામ સંરક્ષણ મંત્રાલયની સહાયતાથી અને એમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. સીમા નજીકના ૩૦૦-૪૦૦ કિ.મી.ના વિસ્તારમાં જ્યાં કોઇ હવાઇમથક ન હોય અને જરૂર પડે ત્યારે હાઇવેનો ઉપયોગ હવાઇપટ્ટી તરીકે વિમાનો ઉડાડવા અને ઉતારવા માટે કરી શકાશે. 

આવા હાઇવે પર વાહનવ્યવહાર ઓછો હોય છે અને જ્યારે વિમાનો ઉતારવા કે ઉડાડવા હશે ત્યારે રેલવે જેવી ફાટકની મદદથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે. આવા હાઇવે બનાવવા માટેના નિર્ણયો લેવા માટે ખાસ કમિટી બનાવવામાં આવી છે અને એમાં સંરક્ષણ મંત્રાલય અને હાઇવે મંત્રાલયના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.