વડોદરા, તા.૧૮ 

કોરોનાગ્રસ્ત કેદીઓ અને પોલીસ મથકના આરોપીઓની સારવાર માટે લાલબાગ અતિથિગૃહ ખાતે બનાવેલા કોવિડ સેન્ટરમાં રખાયેલો પાકા કામનો કેદી ફિલ્મી ઢબે બારીનો સળીયો તોડ્યા બાદ ઓઢવા માટેની ચાદરોને ગાંઠ મારીને તેનો દોરડા તરીકે ઉપયોગ કરીને નીચે ઉતરીને ફરાર થઈ જતા કોરોનોગ્રસ્ત કેદીને શોધવા માટે દોડધામ મચી હતી. મુળ ઉત્તરપ્રદેશના જીવનપુર જિલ્લાના કપુરપટ્ટી ગામનો વતની દિનેશ ઉર્ફ છોટુ રામખેલાડી યાદવને નડિયાદ પોલીસ મથકના ૨૦૧૮ની સાલના હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી જેને પગલે તે ગત માર્ચ મહિનાથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. થોડાક સમય અગાઉ દિનેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત સેન્ટ્રલ જેલના કેદીઓ તેમજ પોલીસ સ્ટેશનના આરોપીઓ માટે તંત્ર દ્વારા તાજેતરમાં યુધ્ધના ધોરણે બે માળના લાલબાગ અતિથિગૃહ ખાતે કોવિડ સેન્ટર બનાવતા ત્યાં દિનેશ યાદવ સહિત સેન્ટ્રલ જેલના ૨૫ કેદીઓ તેમજ હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે આરોપીઓ સહિત કુલ ૨૭ને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.ગઈ કાલે રાત્રે સતત વરસાદ વરસતો હોઈ તેનો લાભ લઈને ઉપરના માળે રખાયેલા કેદી દિનેશ યાદવે જનરલ રૂમની બારીનો નીચેનો સળિયો બળપુર્વક તોડી નાખ્યો હતો અને કેદીઓને ઓઢવા માટે આપેલી ચાદરોને એકબીજા સાથે ગાંઠ મારીને બાંધીને તેનો દોરડા તરીકે ઉપયોગ કરી તે ચાદરો પર લટકીને નીચેના માળે ઈલેકટ્રીક રૂમની દિવાલ પર ઉતર્યો હતો અને વીજથાંભલાનો સહારે કોવિડ સેન્ટરની દિવાલ ઓળંગીને લાલબાગ કુંભારવાડા રેલવે ફાટક તરફ ભાગી ગયો હતો. આજે સવારે કેદીઓની ગણતરી દરમિયાન દિનેશ યાદવ ફિલ્મી ઢબે બારીનો સળિયો તોડીને ભાગ્યો હોવાની જાણ થતાં જ તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી હતી. તેનો પત્તો નહી લાગતા આ બનાવની એએસઆઈ પિનલબેન સંગાડાએ ફરાર કેદી વિરુધ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.