વડોદરા : શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલના તબીબ પર દર્દીના સ્વજનો દ્વારા કરાયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આજે વડોદરા શહેરની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ ઓપીડી બંધ રાખી હડતાળ પાડતાં દર્દીઓ અટવાયા હતા.વડોદરા શહેરના હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ કિડની કેર હોસ્પિટલના તબીબ પ્રતિક શાહ પર બે દિવસ અગાઉ દર્દીના સંબંધીએ દર્દીની સારવાર પછી કોઈ ફરક પડયો નથી તેવા આક્ષેપો સાથે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે તબીબે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હુમલો કરનાર રાજેન્દ્રસિંગ રાઠોડ અને રતિલાલ સોલંકી બંને રહેવાસી અભિલાષા ચોકડી, નંદનવન સોસાયટીની ધરપકડ કરી હતી.

તબીબ પર હુમલાના બનાવ બાદ મોટી સંખ્યામાં અન્ય તબીબો વારસિયા પોલીસ મથકે એકઠા થયા હતા અને તબીબ પર હુમલાની ઘટનાને વખોડી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો અને ઘટનાના વિરોધમાં શહેરના તમામ ખાનગી તબીબોએ એક દિવસની હડતાળ પાડવાનું એલાન આપ્યું હતું. આજે શહેર-જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ ઓપીડી બંધ રાખીને એક દિવસીય હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું અને કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. તબીબોની હડતાળમાં ડેન્ટિસ એસોસિયેશન, ફિઝિયોથેરાપી એસોસિયેશન ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક તબીબોએ પણ સમર્થન જાહેર કર્યું હતું. તબીબોની હડતાળને પગલે દર્દીઓ અટવાઈ ગયા હતા.