ગાંધીનગર -

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી શાળામાં અભ્યાસ કરતાં અનુ.જાતિના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં છેલ્લા ચાર વર્ષથી મળવાપાત્ર સ્કોલરશીપ બંધ કરવામાં આવી હતી જે અંગે અનેક વખત આગેવાનો સહિત સામાજીક કાર્યકરોએ સરકાર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી. જેના ભાગરૂપે રાજ્ય સરકારના અનુ.જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુ.જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો ર્નિણય કરવામાં આવતાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં અભ્યાસ કરતાં અનુ.જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પરંતુ વર્ષ ૨૦૧૬થી સરકાર દ્વારા આ સ્કોલરશીપ બંધ કરવામાં આવી હતી. જે અંગે દુધરેજ ખાતે રહેતાં સામાજીક કાર્યકર વિનોદભાઈ મકવાણા સહિતનાઓએ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ ફરી સ્કોલરશીપ આપવા રજુઆતો કરી હતી. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ધોરણ-૧ થી ૮ માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં અનુ.જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂા.૫૦૦, ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ વિદ્યાર્થીને રૂા.૫૦૦ તથા વિદ્યાર્થીનીને રૂા.૭૫૦ તેમજ ગણવેશ સહાય યોજના અંતર્ગત ધોરણ-૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂા.૬૦૦ ગણવેશ સહાય પેટે આપવાનો ર્નિણય કર્યો છે અને નવા શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર હોય હાલ ફોર્મ ભરી શકશે. આમ છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં અનુ.જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ફરી શરૂ થતાં અનુ.જાતિના વિદ્યાર્થીઓ સહિત વાલીઓને મદદરૂપ થતાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.