લખનૌ,

કાનપુર શૂટઆઉટનાં મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડની સાથે જ અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. એક તરફ પોલીસ આને ધરપકડ ગણાવી રહી છે, તો વિરોધ પક્ષ આને ફિક્સ સરેન્ડર ગણાવી રહ્યું છે. કાૅંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પણ વિકાસ દુબેની ધરપકડ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કહ્યું છે કે, ‘એલર્ટ છતા આરોપીનું ઉજ્જૈન સુધી પહોંચવું ના ફક્ત સુરક્ષાનાં દાવાઓની પોલ ખોલે છે, પરંતુ મિલિભગત તરફ પણ ઇશારો કરે છે. ત્રણ મહિના જુના પત્ર પર નો એક્શન અને કુખ્યાત અપરાધીઓની યાદીમાં વિકાસનું નામ ન હોવું જણાવે છે કે આ કેસનાં તાર બહું લાંબા છે.’ 

પ્રિયંકાએ આગળ લખ્યું છે કે, ‘યૂપી સરકારે આ કેસની સીબીઆઈ તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રોટેક્શનનાં મુદ્દાઓને જગજાહેર કરવા જાેઇએ.’ તો એસપી અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે “સમાચાર આવી રહ્યા છે કે કાનપુર કાંડનો મુખ્ય અપરાધી પોલીસની કસ્ટડીમાં છે. જાે આ સત્ય છે તો સરકાર સ્પષ્ટ કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. સાથે જ તેના મોબાઈલની સીડીઆર સાર્વજનિક કરે જેનાથી સાચી મિલિભગતનો ભાંડો ફૂટી શકે.