દિલ્હી-

ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષમાં લખ્યું હતું કે, ‘ભાજપ સરકારે અઠવાડિયાનાં તે દિવસનું નામ ‘અચ્છે દિન’ રાખવું જાેઈએ, જે દિવસે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો ન થાય.’ તેની સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે, “તેલની કિંમતો ફરીથી ગગનચુંબી.

યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી અહી ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે. તેઓ સતત સરકારની નીતિઓ પર સવાલો ઉભા કરી રહી છે. અલગ-અલગ શહેરોમાં જઇને ખેડૂતોનાં મુદ્દાઓ પર સરકારને સવાલો કરતી પ્રિયંકા શનિવારે મુઝફ્ફરનગરની મુલાકાત કરશે. તે મુઝફ્ફરનગરનાં બાગરા ગામમાં ખેડૂતોને સંબોધન કરશે. આ પહેલા, પ્રિયંકા ગાંધી સહારનપુર અને યુપીનાં બિજનૌરમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં જાેડાઈ ચુકી છે. પ્રિયંકા સતત ખેડૂત આંદોલનને લઈને સરકાર પર હુમલો કરી રહી છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી પ્રિયંકા ચાર વખત યુપીની મુલાકાતે આવી ચુકી છે.

આપને જણાવી દઇએ કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલનાં ભાવ સ્થિર હોવા છતાં, દેશમાં ૧૨ માં દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભારે વધારો થયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૯ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ પછી દિલ્હીમાં આજે પેટ્રોલ ૯૦.૫૮ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. વળી, ડીઝલમાં પણ ૩૭ પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૦.૯૭ રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા ૧૨ દિવસમાં પેટ્રોલ ૩.૨૮ રૂપિયા અને ડીઝલ ૩.૪૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ અગાઉ ક્યારેય ૯૦ પાર કરી શક્યું નથી. હાલમાં, લગભગ દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનાં ભાવ એકંદરે ઉચ્ચતમ સ્તરે છે.