દેવગઢબારિયા, દાહોદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દાહોદ વાસીઓનાં લમણે કાયમ માટે લાગેલી છે અને તેના માટે સ્થાનિક તંત્રને જ દાહોદ વાસીઓ મહત્તમ જવાબદાર લેખ આવી રહ્યા છે. આવક માટે સ્થાનિક તંત્રએ શહેરમાં વિવિધ જગ્યાઓએ શોપિંગ સેન્ટરો જરૂર બનાવ્યા છે. પરંતુ તે એકેયમાં વાહન પાર્કિંગની સુવિધા પ્રદાન ન કરાતા આડેધડ વાહન પાર્કિંગને કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની છે. દાહોદ શહેરમાં સ્થાનિક તંત્રની દયાભાવ વાળી નીતિને કારણે શહેરના નેતાજી બજારમાં ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા દુકાનદારોના વાહનો પાર્ક કરવા માટે રોડની વચ્ચેની રેલીંગની બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરી છે. ત્યારે એ પાર્કિંગની જગ્યા પણ શાકભાજીના પથારા વાળાઓએ હાઇજેક કરી લેતા ટ્રાફિક સમસ્યા યથાવત રહેવા પામી છે. દાહોદ શહેરના હાર્દ સમા એમ.જી.રોડ ની વાત કરીએ તો એમ.જી.રોડ કરો ફળફળાદીની હાથ લારીઓવાળાઓ કેટલીક જગ્યા હાઇજેક કરી ટ્રાફિકની સમસ્યા વધારી રહ્યા છે.