વડોદરા : ગુજરાત સરકાર દ્વારા મિની લોકડાઉનની મુદત ફરી લંબાવવામાં આવી છે તેનો વિવિધ વેપારી સંગઠનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે રાવપુરાના વેપારીઓએ જણાવ્યુ હતુ કે, સરકારે સંપૂર્ણ લોકડાઉન નહી નાંખી ભૂલ કરી છે.વેપારીઓએ એમ પણ કહ્યુ હતુ કે,મીની લોકડાઉનમાં કેસો ધટવાને બદલે વધી રહ્યા છે.બીજી બાજૂ નાના વેપારીઓની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. જેથી સરકાર નાના વેપારીઓનો વિચાર કરીને આર્થિક મદદ જાહેર કરી તેવી માંગ કરી હતી.જ્યારે છાંણી વિસ્તારના વેપારીઓએ પણ મીની લોકડાઉનનો વિરોધ કર્યો હતો. કોરોનાની સેકન્ડ વેવમાં ગુજરાતમાં કેસો વધતા વેપારીઓ દ્વારા સંપૂર્ણ લોકડાઉન ની માંગ કરી હતી. પરંતુ સરકારે મીની લોકડાઉન જાહેર કર્યુ હતુ. મીની લોકડાઉનના પ્રથમ બે તબક્કામાં કેસો ધટવાની જગ્યાૂએ કેસો વધતા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, મીની લોકડાઉનનો ચુસ્ત પણે પાલન કરાવાતો નથી. બહારના વિસ્તારોમાં અનેક દુકાનો ખુલ્લી હોંય છે. ત્યારે ફરી એકવાર સંપૂર્ણ લોકડાઉન નાંખો કાંતો તમામ વેપારીઓને કોવિડ-૧૯ની ગાઈડ લાઈનના પાલન સાથે ધંધો કરવાની છૂટ આપો તેવી માંગ કરી હતી. સરકારે ત્રીજી વખત મીની લોકડાઉન લંબાવાતા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. રાવપુરાના વેપારીઓ મહાજન ગલી ખાતે એકઠા થયા હતા અને મીની લોકડાઉનનો વિરોધ કરીને કોરોનાના કેસો મીની લોકડાઉનમાં વધી રહ્યા છે.ગામડાઓમાં પણ સંક્રમણ વધી ગયુ છે.ત્યારે નાના વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યુ છે.વેપારીઓએ ઓનલાઈન વ્યવસાય કરતી મોટી કંપનીઓને ફાયદો કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.