વડોદરા, તા.૨૮ 

પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા બેફામ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાને લઈને લોકોની હાલત કફોડી બની છે.

લોકો આરોગ્યલક્ષી અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેવા સમયે જ સરકારે આ ભાવવધારો કરીને તેમજ એક્સાઈઝ ડયૂટીમાં વારંવાર વધારો કરીને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ)ની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ, પોસ્ટર્સ સાથે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરીને દેખાવો યોજ્યા હતા અને આવેદનપત્ર આપીને કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના સિલિન્ડરમાં કરવામાં આવેલો ભાવવધારો પાછો ખેંચવામાં આવે અને એકસાઈઝ ડયૂટીમાં કરાયેલ વધારો પણ પાછો ખેંચવામાં આવે. લૉકડાઉન બાદ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો

કરાઈ રહ્યો છે.

બીજી તરફ રાંધણગેસના સિલિન્ડરમાં ૧પ જ દિવસમાં રૂા. ૧૦૦નો વધારો થતાં ગૃહિણીઓનંુ બજેટ ખોરવાઈ ગયું છે. ગેસના સિલિન્ડરની મળતી સબસિડી છેલ્લા મે મહિનાથી બંધ કરવામાં આવી છે. હજુ સુધી મળતી સબસિડી જમા થઈ નથી અને સતત બેફામ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આવશ્યક ચીજવસ્તુઓમાં વધારો થયો છે. કોરોનાની મહામારીમાં લોકોને પડતા પર પાટુ મારીને લોકોને મુશ્કેલીના દિવસોમાં ધકેલી દીધા છે. રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ એવી માગ કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં કરવામાં આવી છે.