પેરીસ-

પેરીસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે એફએટીએફની મિટીંગ ચાલી રહી છે. ગુરુવારે કે શુક્રવારે પાકિસ્તાન બાબતે મોટો ચૂકાદો આવી શકે છે. આંતકવાદને શરણ આપવા અને આર્થિક સહાય આપવાના આરોપમાં પાકિસ્તાન બે વર્ષથી એફએટીએફની યાદીમાં છે. પેરીસમાં હાલ ચાલી રહેલી  મિટિંગમાં પણ પાકિસ્તાન પર પ્રતિબંધ લાગી શકે છે. દરમિયાનમાં એફએટીએફના મુખ્યાલયની સામે ઈમરાન સરકાર અને ત્યાંની સેનાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની માંગ થઈ રહી છે.

મંગળવારે પેરીસમાં થયેલા દેખાવોમાં પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને ઉઈગર સમુદાયના લોકો પણ સામેલ હતા. આ લોકોએ કહ્યું હતું કે, આખી દુનિયા જાણે છે કે, પાકિસ્તાનની સેના અને ત્યાંની હાલની ઈમરાન સરકાર છડેચોક દુનિયાની આંખોમાં ધૂળ નાંખી રહી છે. ત્યાં આતંકવાદીઓની તાલીમ છાવણીઓ ચાલી રહી છે. જો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ નહીં કરાય તો દુનિયા માટે જોખમ ઊભું થશે.