ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ફરજ બજાવતા વાયરલેસ પી.એસ.આઇ જીતેન્દ્રસિંહ રાણાનું આજે વહેલી સવારે મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થયું હતું. ગાંધીનગર સેક્ટર-૨૭ એસ.આર.પી ગાર્ડનમાં પત્ની સાથે મોર્નિંગ વોક માટે નીકળેલ પી.એસ.આઇને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અકાળે નાની ઉંમરમાં પી.એસ.આઈનું અવસાન થતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ અમદાવાદ ક્રાઈમ ડી.પી.ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર સિવિલ દોડી આવ્યા હતા.

મૂળ સુરેન્દ્રનગર લીમડીના ૪૫ વર્ષીય જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગરના સેક્ટર-૨૭ પોલીસ લાઈનમાં પત્ની આશાબા તેમજ બે સંતાનો સાથે રહેતા હતા. એ.એસ.આઈમાંથી પ્રમોશન મેળવી પી.એસ.આઇ બનેલા જીતેન્દ્રસિંહ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે વાયરલેસ પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની આશાબા સાથે એસ.આર.પી ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. થોડીવાર ચાલ્યા બાદ જીતેન્દ્રસિંહને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને મોઢામાંથી ફીણ નીકળી ગયું હતું. તે અરસામાં ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા આસપાસનાં પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા.