નડિયાદ : એકબાજુ કોરોના મહામારીને નાથવા જિલ્લા કલ્કેટર દ્વારા જનઆંદોલન છેડવા શપથ-પ્રતિજ્ઞાના કાર્યક્રમો થઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ જિલ્લાના છેવાડાંના નાગરિકોના જનઆરોગ્ય સાથે તંત્રના કર્મચારીઓ જ ચેડાં કરી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. લોકસત્તા-જનસત્તા પાસે આ બાબતના પુરાવા પણ છે. વસોના પલાણા ગામમાં ૧૭ તારીખ આવતાં પહેલાં જ ક્લોરીનેશન લોગબુકમાં એન્ટ્રી કરી દેવાઈ છે. આનો સીધો મતલબ એવો કરી શકાય કે, જનઆરોગ્યને જાેખમ ઊભું થઈ રહ્યું છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, દરેક ગામમાં પાણીની ટાંકીને રોજબરોજ અથવા નિયત કરાયેલાં સમયે ક્લોરીનેશન કરવાની હોય છે. આ માટે પંચાયતના જ કર્મચારીઓને કામકાજ સોંપવામાં આવેલુ હોય છે. ત્યારે આ ક્લોરીનેશન કર્યાની વિગતો તેની લોગબુકમાં એન્ટ્રી કરી સુપરવાઈઝર સમક્ષ રજૂ કરવાની હોય છે. તેમજ ક્લોરીનેશનની પ્રક્રિયા પણ સુપરવાઈઝરની હાજરીમાં મોટા ભાગે થતી હોય છે. લોકસત્તા-જનસત્તાને મળેલાં પુરાવા મુજબ, પલાણામાં તો કર્મચારીઓ એટલાં એડવાન્સ થઈ ગયાં છે કે, તેમણે આગામી ૧૭ ઓક્ટોબરે ક્લોરીનેશન કરવી પડતી ટાંકી ૧૪ તારીખે જ દર્શાવી દીધી છે. એટલે કે લોગબુકમાં ૧૭ તારીખે પણ ક્લોરીનેશન થઈ ગયું હોવાનું અગાઉથી જ દર્શાવી દેવાયું છે.

આ વિગતો એટલાં માટે ચોંકાવનારી છે, કારણ કે ક્લોરીનેશન થકી ગામમાં પહોંચતુ પાણી લોકોને શુદ્ધ મળી રહે તે તેનો હેતુ છે. તેવાં સમયે જાે આ રીતે એડવાન્સમાં જ તારીખો દર્શાવી ક્લોરીનેશન થઈ ગયાનું દર્શાવી દેવાતુ હોય તો પછી જે-તે સમયે ક્લોરીનેશન થતુ હશે કે કેમ? આ પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે. કારણ કે, ક્લોરીનેશન થયેલાં પાણીનાં ઉપયોગથી પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે. ક્લોરીનેશન નિયત કરેલા સમયે યોગ્ય રીતે ન થતુ હોય તો પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આ રીતે એડવાન્સમાં જ તારીખ દર્શાવી તે રિપોર્ટ સુપરવાઈઝર સમક્ષ રજૂ કરી દેવાય તો તે કઈ રીતે યોગ્ય છે? તે અંગે ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે. તેમજ કર્મચારીઓનું આ વર્તન પણ કેટલી હદે સાંખી લેવાય તેમ છે તે પણ તંત્ર સમક્ષ પડકાર છે. વધુમાં અહીં મૂકાયેલાં સુપરવાઈઝર પણ જાણે કર્મચારીઓએ આ મોટું પરાક્રમ કર્યુ હોય તેમ આ એડવાન્સ તારીખ દર્શાવેલું લોગબુકનું પેજ સંબંધિત ગ્રૂપમાં રજૂ કર્યુ છે. સુપરવાઈઝરના ધ્યાને આ ઘટના આવવા છતાં કોઈ પગલાં લીધાં કે કેમ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મુદ્દે જિલ્લા આરોગ્ય વિભાગ સતર્કતા દાખવી તપાસના આદેશ આપે તેવી માગ ગ્રામજનોમાં પ્રબળ બની છે. તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.