ભરૂચ, તા.૨૯ 

દહેજ સેઝ-૨ માં આવેલ યશસ્વી કંપનીમાં ગત ૩ જૂનના રોજ સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પ્રાથમિક તારણ મુજબ ટેન્કર દ્વારા એક કેમિકલ ટેન્કમાં બે કેમિકલ મિશ્રિત થઈ જતા રીએકશન આવતા મોટા બ્લાસ્ટ સાથે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. બ્લાસ્ટના કારણે આસપાસની કંપનીઓ અને લખીગામ, લુવારા ગામમાં પણ લોકોના ઘર મકાનો અને નાની મોટી ઇજાઓ થઈ હતી.

એનજીટી એ નક્કી કરેલી કમિટી દ્વારા અસરગ્રસ્તોને સાંભળવા માટે દહેજની જીએસિએલ કંપનીમાં લોક સુનાવણી રાખવામાં આવી હતી. આ લોક સુનાવણીમાં ભાગ લેવા માટે લુવારા ગામ, લખીગામના સ્થાનિક રહીશો તથા માછીમારો જીએસીએલ ના ગેટ પાસે હાજર રહેલા હતા, પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ૨૧ લોકોનું લિસ્ટ બનાવી પ્રવેશ આપ્યો હતો. તેમાં એનજીટીમાં પીટીશન દાખલ કરનાર એક પિટિશનર અને સતી નર્મદા મત્સ્ય ઉછેર સહકારી મંડળી લી. ના પ્રમુખ પ્રવીણ મઢીવાલાને લોક સુનાવણીમાં ભાગ લીધો અને સ્થાનિક રહીશો માટે તથા માછીમારો માટે વળતર આપવા માટે અને પર્યાવરણીય મુદ્દે વિગતવાર રજૂઆતો કરી હતી. આ લોક સુનાવણીમાં બીજા કોઈ માછીમારોને કે એનજીટીમાં કેસ દાખલ કરનાર લુવારા ગામ, લખીગામના સ્થાનિક રહીશો કે માછીમારોને પણ કંપનીના ગેટની અંદર પ્રવેશ કરવા દીધા નહીં કે લોક સુનાવણીમાં ભાગ લેવા દીધો નહીં. ત્યારે જૂજ લોકોની ઉપસ્થિતમાં જાહેર સ્થળે લોક સુનવણી કરવામાં નહોતી આવી.