રાજકોટ, રાજ્યકક્ષાના મંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ રાજકોટ તાલુકાના પડવલા ગામના તલાટીની તાત્કાલિક અસરથી બદલી કરવાની સૂચના જિલ્લા પંચાયતના તંત્રને આપી હતી અને મંત્રીની સૂચના મળતાની સાથે જ તેનો ફટાફટ અમલ પણ થઈ ગયો હતો. પોતાની કામગીરીના કારણે લોકપ્રિય તલાટીની બદલી થતા જ રોષ ભભૂકી ઉઠયો હતો.પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજાએ ગ્રામજનોને અને પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના ઉદ્યોગપતિઓને સાથે રાખીને પંચાયતની ઓફિસને તાળું મારી દીધું હતું. જ્યાં સુધી જુના તલાટીને અહીં પરત મૂકવામાં નહીં આવે ત્યાં સુધી ગ્રામ પંચાયતની ઓફીસ બંધ રહેશે તેવી જાહેરાત પણ કરી હતી.

સરપંચે ગ્રામજનો અને ઉદ્યોગપતિઓને સાથે રાખી પંચાયતની ઓફિસને તાળું મારી જણાવ્યું હતું કે અમારી માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ગામ બંધ, ઉપવાસ આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે.સરપંચની ચેતવણીનો રેલો તુરત આવી ગયો હતો અને જિલ્લા પંચાયતે પડવલામાં ફરજ બજાવતા રવિભાઈ જાેશી નામના તલાટીને ફરી ત્યાં મુકવાનો ર્નિણય લીધો છે અને આંદોલન આગળ વધે તે પહેલા મંત્રીની ભલામણ એક બાજુ ધકેલી લોકલાગણીને માન આપ્યું છે. અંદાજે ૭૫૦ લોકોની વસ્તી ધરાવતા પડવલા ગામમાં ૪૫૦થી વધુ ઔદ્યોગિક એકમો છે.આઝાદીથી માંડી આજ સુધી આ ગામમાં કદી સરપંચની ચૂંટણી થઈ નથી અને ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા સમરસ થઇ છે. તલાટીના પ્રશ્ને પણ આખું ગામ એક થઈ જતા તંત્રના પગ નીચે રેલો આવી ગયો હતો.જિલ્લા પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીએ રૂટીન મુજબ ભલામણ કરી હતી પરંતુ જ્યારે પડવલા ગામે ભડકો થયો ત્યારે ખબર પડી કે આમાં તો બે અજાણી બંધુઓને ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ગોઠવવા માટે મંત્રીએ ભલામણ કરી હોવાનું જણાઈ રહ્યું છે. એક અજાણીને પડવલામાં અને બીજાને લોઠડામાં મુકવામાં આવ્યા હતા. આ બંને ઔદ્યોગિક વિસ્તારો છે. પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઘણા એવા ગામો છે કે જ્યાં તલાટી દેખાતા જ નથી. જ્યારે પડવલાના તલાટી રવિ જાેષી રજાના દિવસે અને ઓફિસના કામકાજના કલાકો પછી પણ જરૂર હોય તો ખડે પગે રહે છે. ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ માત્ર ચાર મિનિટમાં મળી જાય છે. ત્રણ મહિના પહેલાં જ તેની અહીં નિમણૂક થઈ છે. આટલા ટૂંકા સમયગાળામાં તેમને બદલાવવા પાછળનું કારણ શું ? અમારી કે ગ્રામજનોની કે ઉદ્યોગપતિઓની કોઈની માગણી તલાટીને બદલવાની નથી તો પછી શા માટે આવું કર્યું છે.આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પડવલા ગામે અજાણી બંધુઓની બદલી માટે અરવિંદભાઈ રૈયાણીની ભલામણ હતી પરંતુ મેં હવે જિલ્લા વિકાસ અધિકારીને રવિભાઈ જાેશીની બદલી રોકવા માટે સૂચના આપી દીધી છે.