અમદાવાદ,અમદાવાદ શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. જેના અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ ઉપરાંત ચોરા/ચાવડીઓ ખાતે અતિ આવશ્યક સંજાેગો સિવાય અરજદારોની મુલાકાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાની મહામારી બેકાબુ બની રહી છે, ત્યારે કોરોના મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક નિવારાત્મક પગલાં લેવાઈ રહ્યા છે. તેના ભાગ રૂપે અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રોની કામગીરીઓને જાહેર હીત તથા આરોગ્યને ધ્યાનમાં રાખીને અન્ય હુકમ ન થાય સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરા દ્વારા કરવામાં આવી હતી. આ અગાઉ તા. ૯/૪/૨૦૨૧ના પરિપત્રથી અમદાવાદ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ તથા જિલ્લા કલેક્ટર કચેરી, ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રની કામગીરીઓને ૧૨મી એપ્રિલથી કામકાજના ૭ દિવસ સુધી એટલે કે તા. ૨૩મી એપ્રિલ સુધી બંધ કરવામાં આવી હતી.