અમદાવાદ-

નીચલા અને ઉપલા મધ્યમ વર્ગની આવક ઘટી રહી હોઈ, ટુ-વ્હીલરની ડીમાંડને ફટકો પડયો છે. 2019ની તુલનામાં સપ્ટેમ્બરમાં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશનની સંખ્યામાં 47% ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશન (ફાડા)ના જણાવ્યા મુજબ ગત વર્ષના સપ્ટેમ્બરમાં 68,572 ટુ-વ્હીલરના રજીસ્ટ્રેશન સામે આ વર્ષે માત્ર 36403નું રજીસ્ટ્રેશન થયું હતું. ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ રાજયમાંથી પ્રવાસી મજુરોના પલાયન અને એડમીશન સીઝન મુલત્વી રખાતા અને શિક્ષણ ઓનલાઈન થતાં ટુ વ્હીલરની માંગ ઘટી છે. 

મોટાભાગના ટુ-વ્હીલર ગ્રાહકો લોઅર અને અપર મિડલ કલાસના હોય છે. લોકડાઉનમાં તેમની આવક ઘટી હતી. તેમની આવક હજુ બેઠી થઈ ન હોઈ તેમાંના ઘણાએ ખરીદી મુલત્વી રાખી છે. ગુજરાતતમાં વાહન રજીસ્ટ્રેશનમાં ઘટાડાનું આ પણ એક કારણ છે. વિદ્યાર્થીઓ અને પરપ્રાંતીય મજુરો બજારનો મોટો હિસ્સો છે. એજયુકેશન ઓનલાઈન થતાં અને ઘણાં પેરન્ટસની આવક ઘટતાં ટુ-વ્હીલરની ખરીદી મુલત્વી રખાઈ છે. સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પ્રવાસી મજુરો વતન ચાલ્યા જતાં આ વર્ગની ખરીદી પણ જોવા મળી નથી.