દુબઇ 

કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે આઈપીએલ 2020 સીઝનની પ્રથમ સદી ફટકારી છે. રાહુલે આરસીબી વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમતા આઈપીએલ કરિયરની બીજી સદી ફટકારી હતી. આ લીગમાં કેપ્ટન તરીકે તેની પ્રથમ સદી છે. રાહુલે આઈપીએલમાં પોતાની પ્રથમ સદી પાછલા વર્ષે ફટકારી હતી. રાહુલે 69 બોલમાં 7 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી અણનમ 132 રન ફટકાર્યા હતા. તેણે 191.30ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા.  

આરસીબી વિરુદ્ધ રાહુલે આ સદી 62 બોલમાં પૂરી કરી હતી. પોતાની સદી પૂરી કરવા દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેએલ રાહુલે કેપ્ટન અને નોન કેપ્ટન તરીકે સદી ફટકારવા મામલે વીરેન્દ્ર સેહવાગ અને ડેવિડ વોર્નરની બરોબરી કરી લીધી છે. પાછલા વર્ષે તેણે પંજાબ તરફથી બેટ્સમેન તરીકે સદી ફટકારી હતી, પરંતુ આ વખતે કેપ્ટન તરીકે આ સિદ્ધિ મેળવી છે.