વડોદરા : શહેરના અનેક વિસ્તારોમાં એકતરફ પાણીની સમસ્યા છે. પરંતુ બીજી બાજુ પાણીનો વેડફાટ યથાવત્‌ રહ્યો છે. ન્યુ વીઆઈપી રોડ એરપોર્ટથી ખોડિયારનગર જતા માર્ગ પર પાણીની મુખ્ય લાઈનમાં લીકેજના કારણે હજારો ગેલન પાણી રોડ પર ફરી વયાં હતાં અને નજીકની ગટરમાં જઈને વેડફાટ થયો હતો.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામના કારણે પીવાના પાણીની અને ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓના પગલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માગ અનેક વખત કરાઈ છે, તેમ છતાં નિદ્રાધીન તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે એરપોર્ટ-ખોડિયારનગર મુખ્ય માર્ગ ઉપર વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું, જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. એકતરફ શહેરમાં દૂષિત પાણી, ઓછા પ્રેશરથી મળવાની સમસ્યા છે તેવામાં રોજબરોજ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે.