આણંદ : ભારત સરકારની ગ્રાહક સુરક્ષા, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયની જાહેર વિતરણ વ્યવસ્થાના હુકમ હેઠળ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની કામગીરી પર દેખરેખ રાખવા માટે તકેદારી સમિતિઓની રચના કરવામાં આવે છે. 

તદ્દઅનુસાર આણંદના જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા આણંદ જિલ્લાની પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ચેરમેન તરીકે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડા, સહ અધ્યક્ષ તરીકે આણંદના કલેક્ટર આર.જી. ગોહિલ, સભ્ય તરીકે આણંદના જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, સભ્ય સચિવ તરીકે આણંદ જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણીયા, સભ્ય તરીકે સાંસદ મિતેશભાઈ પટેલ સહિત ૭ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા એનજીઓ, બીપીએલ તથા એએવાય કાર્ડધારકના નામનો સમિતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા તકેદારી સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટે રચવામાં આવેલી સમિતીની મુદ્દત બે વર્ષની રહેશે અને સમિતીની બેઠક દર માસે એકવાર બોલાવવામાં આવશે.

વધુમાં ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, સમિતિનો મુખ્ય ઉદ્દેશ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની વાજબી ભાવની દુકાનોને ફાળવવામાં આવતી ચીજવસ્તુઓનો જથ્થો સમયસર અને પૂરેપૂરો ઉપાડે તેમજ તેનું સમયસર અને યોગ્ય રીતે નિયત પ્રમાણમાં વિતરણ થાય છે કે કેમ તે જાેવાનું છે. સમિતિના સભ્યો પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારની મુલાકાત લઈ વાજબી ભાવની દુકાનના દુકાનદારો યોગ્ય રીતે વિતરણ કરી રહ્યાં છે કે કેમ અને આવશ્યક ચીજવસ્તુનો જથ્થો યોગ્ય રીતે અધિકૃત રેશનકાર્ડ ધારકોને મળી રહે છે કે કેમ તે અંગેની ચકાસણી કરશે અને દુકાનદાર દ્વારા કોઈપણ રીતે નિયમોનો ભંગ થયાનું જણાઈ આવેથી તે અંગેની જિલ્લા કલેક્ટરીને લેખિતમાં જાણ કરવાની રહેશે, તેમ વધુમાં યાદીમાં જણાવાયું છે.