વડોદરા : એક સમયની વિશ્વવિખ્યાત મ.સ. યુનિ. સાથે સંલગ્ન ગોત્રી મેડિકલ કોલેજ ના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવાના બનેલા ધૃણાસ્પદ અને ગુનાહિત બનાવના પગલે ગંભીર થઈ ગયેલો એક જુનિયર વિદ્યાર્થી છેલ્લા પાંચ દિવસથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું અને અન્ય વિદ્યાર્થીઓ હાથ-પગના દુઃખાવાની ફરિયાદ સાથે આઘાતમાં સરી પડયાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. લગભગ પાંચ દિવસ અગાઉ બનેલા રેગિંગના આ ગંભીર બનાવના પગલે ગોત્રી મેડિકલ કોલેજના સત્તાધીશોએ ખાનગીમાં તાત્કાલિક એક તપાસ સમિતિ રચી આ બનાવ પર પડદો પાડી દેવાનો અને તે દ્વારા રેગિંગ કરવાનો ગુનો આચરનારા સિનિયર વિદ્યાર્થીઓને બચાવી લેવાનો તખ્તો ઘડી દીધાનું આંતરિક વર્તુળોએ જણાવ્યું છે.

આધારભૂત સાધનોના જણાવ્યા અનુસાર ગોત્રી મેડિકલ કોલેજમાં સેકન્ડ યરના વિદ્યાર્થી નિષ્કર્ષ શાહને તેનાથી સિનિયર સ્ટુડન્ટ હર્ષ પટેલે દૂધ લાવવાનો હુકમ કર્યો હતો. સિનિયરની આજ્ઞાનું પાલન નહીં થતાં ઉશ્કેરાયેલા સિનિયર વિદ્યાર્થીઓ હર્ષ પટેલ, મયંક ગુલવાણી, શુભમ પટેલ તથા ખાસ તો હાલ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી નહીં હોવા છતાં હોસ્ટેલમાં પડયો પાથર્યો રહેતો અને માથાભારે ગણાતા વિજય બલદાનિયા નામના વિદ્યાર્થીઓના સમૂહે તમામ જુનિયર વિદ્યાર્થીઓની એક બેઠક બોલાવી હતી તથા બધા જુનિયરોએ ફરજિયાતપણે તેમાં હાજર રહેવાનો આદેશ કરાયો હતો.

આ બેઠકમાં ઉપરોક્ત સિનિયર તબીબી વિદ્યાર્થીઓ સહિતના અન્ય પણ અનેક સિનિયર વિદ્યાર્થીઓએ ઉપસ્થિત જુનિયર તબીબો સાથે ઉદ્વતાઈભર્યું અને અપમાનજનક વર્તન કરી તેમની ઉપર ધોંસ જમાવવાનો પ્રયાસ કરતાં વાતાવરણ ઉત્તેજિત થઈ ગયું હતું. આ તબક્કે ઉપસ્થિત તમામ જુનિયર વિદ્યાર્થીઓએ સામૂહિક સ્વરે સિનિયરોની દાદાગીરીને પડકારી હતી તથા તેમના આદેશને અગવણી તત્કાળ મિટિંગ છોડી નીકળી ગયા હતા. જુનિયર તબીબી વિદ્યાર્થીઓના આ પગલાંથી સિનિયરોનો ઘમંડ ઘવાયો હતો તથા તેમણે પોતાની રણનીતિ બદલી હતી. થોડું નરમાઈશ વર્તી જુનિયર વિદ્યાર્થીઓને તેમણે સાંજે ૪ વાગે ફરી મેદાન પર એકઠા થવા મનાવી લીધા હતા. સાંજે ૪ વાગે તમામ જુનિયર વિદ્યાર્થીઓ ઉપસ્થિત થતાં જ સિનિયરોએ ફરી પોતાનો અસલી રંગ બતાવ્યો હતો અને ઉપસ્થિત તમામ જુનિયર વિદ્યાર્થીઓને મા-બહેનની બીભત્સ ગાળો આપી અને તમામને પોત-પોતાની જગ્યા પર ઊઠબેસ કરવા ફરજ પાડી હતી.હેબતાઈ ગયેલા અને ગભરાઈ ગયેલા જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયરોની દાદાગીરી સામે ઝુકી જવું પડ્યું હતું તથા તેમણે ઊઠબેસ કરવી પડી હતી. આ સજારૂપે થયેલા રેગિંગ દરમિયાન કેટલાક જુનિયર વિદ્યાર્થીઓ પાસેથી ર૦૦-૩૦૦ થી પણ વધુ ઊઠબેસ કરાવાઈ હતી. પરંતુ ઊઠબેસ કરાવવાની આ સજા દરમિયાન હુનેશ નિનામા નામનો એક વિદ્યાર્થી ઊઠબેસ કરતાં કરતાં ફસડાઈ પડયો હતો તથા તેને ખેંચ આવી ગઈ હતી. આ તબક્કે પરિસ્થિતિએ ગંભીર વળાંક લેતાં સિનિયર વિદ્યાર્થીઓ ભાગી છૂટયા હતા. પરંતુ જુનિયર વિદ્યાર્થીઓ પૈકીના કેટલાક ખેંચનો શિકાર બનેલા જુનિયર વિદ્યાર્થી હુનેશ નિનામાને તત્કાળ ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા તથા તેની ઈમરજન્સી સારવર શરૂ કરી હતી.સારવાર દરમિયાન હુનેશ નિનામાની બીમારી પર કાબૂ મેળવાયો હતો, પરંતુ ઊઠબેસ કરનાર અનેક જુનિયર વિદ્યાર્થીઓ પૈકી અનેકના પગના ગોટલા ચઢી ગયાના અને તેમને કળતર થવાથી તેમણે પણ પોત-પોતાની રૂમમાં ફરજિયાત આરામ લેવો પડતાં તે તમામનું શિક્ષણકાર્ય કથળ્યું હતંુ. હુનેશ નિનામાને સારવાર માટે દાખલ કરાતાં સપાટી પર આવેલા આ બનાવને પગલે ગોત્રીના સત્તાધીશો હરકતમાં આવી ગયા હતા તથા ઘટનાની ગંભીરતા અને રેગિંગના ગુનાહિત સ્વરૂપને જાેઈ એક સમિતિની રચના કરી બંધબારણે આ ઘટનાની તપાસ આરંભી દીધી હતી. આ બનાવને આજે લગભગ પાંચ દિવસ થયા છે તથા ઉપરોકત હુનેશ નિનામા હજુ સારવાર હેઠળ હોવાના અને અન્ય અનેક જુનિયર વિદ્યાર્થીઓ હાથ-પગમાં તીવ્ર કળતર જેવી ગંભીર ફરિયાદો કરી રહ્યા છે. ગોત્રી હોસ્પિટલના સત્તાધીશો ‘પાસ’ થવામાં મુશ્કેલી થશે એવી આડકતરી ધમકી આપી રેગિંગનો ભોગ બનેલા જુનિયર વિદ્યાર્થીઓને સત્તાવાર ફરિયાદ કરતાં અટકાવી રહ્યા હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્યું છે.